શિક્ષા

નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેડૂત દિવસની ઉજવણી કરી

નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેડૂત દિવસની ઉજવણી કરી

હજીરા, સુરત : સુરતના જુનાગામ ખાતે આવેલા નવચેતન અદાણી વિદ્યાલય ખાતે તા. 22 અને 23 ડિસેમ્બર 2025 દરમિયાન ખેડૂત દિવસની ઉજવણી વિવિધ શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ હજીરા વિસ્તારની વિશેષતા ધરાવતી પ્રાકૃતિક શાકભાજીના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બીજા દિવસે ખેતી જાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા.

 

ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતરની મુલાકાત કરાવવામાં આવી હતી. પાપડી, રીંગણ, કોબીજ, ફૂલકોબી, શક્કરિયા, મરચાં, ટામેટાં, લસણ અને મેથી જેવી શાકભાજી પ્રાકૃતિક પદ્ધતિથી કઈ રીતે ઉગાડવામાં આવે છે એનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓને જીવામૃત, નિમસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ તથા ખાટી છાશના ફૂગનાશક ઉપયોગ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

 

આજે નવચેતન અદાણી વિદ્યાલય પરિસરમાં વાલી ખેડૂત મિત્રો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત કૈલાશબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા, ખાતર–જંતુનાશક દવાઓ અને સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ટેક્નોલોજી સાથે પ્રાકૃતિક ખેતી શક્ય છે તે દર્શાવતા અભિનયગીત અને પ્રયોગો રજૂ કરાયા. નવચેતન વિકાસ મંડળના સહમંત્રી બીપીનભાઈ પટેલએ હજીરા વિસ્તારની ખેતીની સમૃદ્ધિ અને આજના યુગમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો. આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓમાં ખેડૂત પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વિકસાવવી, પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવી, પર્યાવરણ સંરક્ષિત ખેતીને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર ભારતના વિચારને મજબૂત બનાવવાનો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button