વ્યાપાર

આર્થા ભારતે ગિફ્ટ સિટીનું પ્રથમ ફિઝિકલ કોમોડિટી ફંડ અને આઈએફએસસીએ દ્વારા મંજૂર ગિફ્ટ સિટીનું પ્રથમ ગોલ્ડ ફંડ લોન્ચ કર્યું

આર્થા ભારતે ગિફ્ટ સિટીનું પ્રથમ ફિઝિકલ કોમોડિટી ફંડ અને આઈએફએસસીએ દ્વારા મંજૂર ગિફ્ટ સિટીનું પ્રથમ ગોલ્ડ ફંડ લોન્ચ કર્યું
ગિફ્ટ સિટી, ગાંધીનગર અને મુંબઈ, 3 જુલાઈ, 2026: દેશના અગ્રણી નાણાંકીય કેન્દ્ર ગિફ્ટ સિટીમાં કાર્યરત અગ્રણી ફંડ મેનેજમેન્ટ સંસ્થા આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીએ આર્થા ભારત ફિનમેટ ફિઝિકલ ગોલ્ડ ફંડ લોન્ચ કર્યું છે. આ ગિફ્ટ સિટીમાંથી શરૂ થનારું પ્રથમ ફિઝિકલ કોમોડિટી ફંડ તેમજ પ્રથમ ગોલ્ડ ફંડ છે. જાન્યુઆરી 2026થી અમલમાં આવેલા આઈએફએસસીએ કાયદા હેઠળ આઈએફએસસીએ દ્વારા કોમોડિટી ટ્રેડિંગને નાણાંકીય પ્રોડક્ટ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવ્યા બાદ આ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીના નિયામક દ્વારા તૈયાર કરવામાં આવેલા સક્ષમ નિયમનકારી માળખાને અનુસરતા આ લોન્ચ એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીના મેનેજિંગ પાર્ટનર સચિન સાવરીકરે જણાવ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટીનો અમે આભાર માનીએ છીએ. તેમણે ઉદ્યોગ સાથે મળીને એવું મજબૂત નિયમનકારી માળખું તૈયાર કર્યું છે, જે નવીન પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે છે અને ગિફ્ટ સિટીને આ ક્ષેત્રના અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણનો હેતુ
આ ઓપન-એન્ડેડ અને પેસિવલી મેનેજ્ડ ફંડ સિંગાપોર સ્થિત કિંમતી ધાતુઓના નિષ્ણાંત ફિનમેટ સાથેની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે આ ફંડના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ કરશે. આ સ્કીમ આંતરરાષ્ટ્રીય સ્પોટ ગોલ્ડના ભાવને ઓછામાં ઓછી ટ્રેકિંગ એરર સાથે અનુસરે તે પ્રકારે તૈયાર કરવામાં આવી છે. આ માટે ફંડની ઓછામાં ઓછી 95 ટકા એસેટ્સ ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઈઆઈબીએક્સ) પર ટ્રેડ થતા લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ)ના ધોરણોને અનુરૂપ ગોલ્ડ બારમાં રોકવામાં આવશે. આઈઆઈબીએક્સ એ એનએસઈ, એનએસડીએલ, સીડીએસએલ, એમસીએક્સ અને બીએસઈની એક સહાયક કંપનીનું સંયુક્ત સાહસ છે.
આ ફંડમાં દર અઠવાડિયે રોકાણ અને રિડમ્પશનની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેના કારણે રોકાણકારોને ફિઝિકલ કોમોડિટી આધારિત ફંડમાં ભાગ્યે જ મળતી લિક્વિડિટીનો લાભ મળશે. આર્થા ભારત ફિનમેટ ફિઝિકલ ગોલ્ડ ફંડનો ટોટલ એક્સપેન્સ રેશિયો (ટીઈઆર) પણ માત્ર વાર્ષિક 0.65 ટકા જેટલો સ્પર્ધાત્મક રાખવામાં આવ્યો છે.
અનોખી રિડમ્પશન સુવિધા અને સુરક્ષિત સંગ્રહ
સચિન સાવરીકરે જણાવ્યું હતું કે, “અમારી સ્કીમ હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી અને આઈએફએસસીએ દ્વારા નિયમન હેઠળ કાર્યરત ઈન્ડિયા ઇન્ટરનેશનલ ડિપોઝિટરી આઈએફએસસી (આઈઆઈડીઆઈ)ના ઇન્શ્યોર્ડ વોલ્ટમાં સંગ્રહિત ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવામાં આવશે.” ગિફ્ટ સિટીના આ પ્રથમ ફિઝિકલ ગોલ્ડ આધારિત ફંડની વધુ એક વિશેષતા વિશે તેમણે જણાવ્યું હતું કે, “અમારી સ્કીમમાં રોકાણકારો જ્યારે તેમના યુનિટ્સ રિડીમ કરશે ત્યારે તેમને પ્રમાણિત ફિઝિકલ ગોલ્ડ બાર અથવા તેની સમકક્ષ રોકડ રકમ મેળવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.”
સોનામાં રોકાણ શા માટે કરવું: ઉત્તમ વળતર અને વૈવિધ્યીકરણનો લાભ
હાલમાં સોનાના ભાવ જાન્યુઆરીમાં નોંધાયેલા તેના સર્વોચ્ચ સ્તર કરતાં અંદાજે 28 ટકા નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આર્થા ભારતના મતે મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે આ વ્યૂહાત્મક રીતે રોકાણ કરવાની અનુકૂળ તક છે. ભારત વિશ્વના સૌથી મોટા બે-ત્રણ સોનાના વપરાશકાર દેશોમાં સામેલ છે. ભારતીય પરિવારોમાં વર્ષોથી એવી માન્યતા રહી છે કે સોનું મૂલ્ય જાળવી રાખતું રોકાણ છે અને મુશ્કેલીના સમયમાં નાણાંકીય સુરક્ષા પૂરું પાડે છે. સોનાએ રોકાણકારોને સતત સારું વળતર આપ્યું છે. 30 જૂન, 2026 સુધીના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં સોનાએ 13.7 ટકાના સીએજીઆરથી, છેલ્લા પાંચ વર્ષમાં 20.4 ટકાના સીએજીઆરથી અને છેલ્લા એક વર્ષમાં અંદાજે 20 ટકાનું વળતર આપ્યું છે.
સચિન સાવરીકરે જણાવ્યું હતું કે, “સોનામાં એવી ત્રણ મૂળભૂત વિશેષતાઓ છે, જે તેને દરેક રોકાણ પોર્ટફોલિયોનો અનિવાર્ય ભાગ બનાવે છે. તેમાં શેરબજાર સાથે લગભગ શૂન્ય સંબંધ, કાઉન્ટરપાર્ટી અને પ્રતિબંધોના જોખમથી મુક્તિ તેમજ લાંબા ગાળે સ્પર્ધાત્મક વળતરનો સમાવેશ થાય છે.”
આ ત્રણ મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
• લગભગ શૂન્ય સંબંધ: એસએન્ડપી 500 ઇન્ડેક્સ સાથે માત્ર 0.02નું કોરિલેશન ફેક્ટર.
• કાઉન્ટરપાર્ટી જોખમથી મુક્તિ: સોનું એવી એકમાત્ર આંતરરાષ્ટ્રીય રિઝર્વ્ડ એસેટ છે, જેના પર કોઈ દેશના ક્રેડિટ જોખમ અથવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની સીધી અસર થતી નથી.
• સ્પર્ધાત્મક વળતર: વર્ષ 2001થી સોનાએ વાર્ષિક 12.1 ટકાના દરે ચક્રવૃદ્ધિ આધારિત વળતર આપ્યું છે, જે આ જ સમયગાળામાં એસએન્ડપી 500ના કુલ 10.4 ટકા વળતર કરતાં વધુ છે.
સચિન સાવરીકરે વધુમાં જણાવ્યું હતું કે, “વર્ષ 2022 દરમિયાન જ્યારે બોન્ડ અને ઇક્વિટી બંનેમાં એકસાથે ઘટાડો નોંધાયો હતો ત્યારે પણ સોનાએ પોતાની મજબૂતી જાળવી રાખી હતી, જેના કારણે પરંપરાગત 60/40 રોકાણ માળખા સામે પ્રશ્નો ઊભા થયા હતા. સોનું બોન્ડનો વિકલ્પ નથી, પરંતુ મજબૂત અને સંતુલિત રોકાણ પોર્ટફોલિયાનો સાચો ત્રીજો આધારસ્તંભ છે.”
વૈશ્વિક નિપુણતા અને સુરક્ષિત કસ્ટડી
આઈઆઈડીઆઈના વીમા દ્વારા સુરક્ષિત અને આઈએફએસસીએ દ્વારા નિયમન હેઠળના વોલ્ટનો ઉપયોગ કરીને આ ફંડ પશ્ચિમી કસ્ટોડિયન નેટવર્કથી સ્વતંત્ર રીતે અલગ સંગ્રહની સુવિધા દ્વારા રોકાણકારોને વ્યૂહાત્મક વૈવિધ્યીકરણનો લાભ આપશે.
ફિનમેટ પાસે વૈશ્વિક બુલિયન નેટવર્કનો વિશાળ અનુભવ છે. તે ફંડને આઈઆઈબીએક્સ ટ્રેડિંગ પ્રોટોકોલ, એલબીએમએના ભાવ નિર્ધારણ અને વિવિધ દેશોની કેન્દ્રીય બેંકોની પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપશે. આ સ્કીમ દર અઠવાડિયે રોકાણ અને રિડેમ્પશનની સુવિધા સાથે સંસ્થાકીય સ્તરની સુરક્ષા પણ પૂરી પાડશે.
ભારતની ગોલ્ડ ટ્રેડિંગ ઇકોસિસ્ટમને ગતિ આપતું પગલું: આઈઆઈબીએક્સનું મહત્વ
આર્થા ભારત ફિનમેટ ફિઝિકલ ગોલ્ડ ફંડ માત્ર એક નવા પ્રોડક્ટનું લોન્ચિંગ નથી, પરંતુ સમગ્ર ગોલ્ડ ટ્રેડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો એક સચેત પ્રયાસ છે. જુલાઈ 2022માં ગિફ્ટ સિટીમાં શરૂ થયેલું ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઈઆઈબીએક્સ) ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ છે, પરંતુ તેમાં સતત ટ્રેડિંગ વોલ્યૂમ જાળવી રાખવામાં પડકારો રહ્યા છે. નાણાંકીય વર્ષ 2022-23માં 411 કિલોગ્રામ રહેલું ટ્રેડિંગ વોલ્યૂમ વધીને નાણાંકીય વર્ષ 2024-25માં 92 ટન સુધી પહોંચ્યું હતું, પરંતુ નાણાંકીય વર્ષ 2025-26માં અત્યાર સુધી તે ઘટીને માત્ર 600 કિલોગ્રામ જેટલું રહ્યું છે. વધુ મહત્વની બાબત એ છે કે
અત્યાર સુધી આઈઆઈબીએક્સમાં થયેલી મોટાભાગની પ્રવૃત્તિ જ્વેલર્સ દ્વારા કરવામાં આવતી વ્યાપારી આયાત પૂરતી મર્યાદિત રહી છે અને સોનાને નાણાંકીય સંપત્તિ તરીકે રાખતા સંસ્થાકીય રોકાણ ફંડ્સની તેમાં નોંધપાત્ર ભાગીદારી જોવા મળી નથી.
આર્થા ભારત ફિનમેટ ફિઝિકલ ગોલ્ડ ફંડ આઈઆઈબીએક્સ પર ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરનારું પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફંડ બનશે. તેના કારણે એક નવા પ્રકારના રોકાણકારોની એન્ટ્રી થશે અને ટૂંકા ગાળાની આયાત આધારિત લેવડદેવડને બદલે લાંબા ગાળાના સંસ્થાકીય રોકાણ દ્વારા માંગ ઊભી થશે.
સચિન સાવરીકરે જણાવ્યું હતું કે, “આઈઆઈબીએક્સને ગોલ્ડ ટ્રેડિંગ અને સુરક્ષિત સંગ્રહ માટે વિશ્વસ્તરીય, પારદર્શક અને એલબીએમએ ધોરણોને અનુરૂપ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. પરંતુ કોઈપણ માળખું ત્યારે જ સફળ બને છે જ્યારે તેનો સતત ઉપયોગ થાય. અમારું ફંડ આઈઆઈબીએક્સ અને આઈઆઈડીઆઈની વોલ્ટનો ઉપયોગ આયાત માટે નહીં, પરંતુ લાંબા ગાળાની નાણાંકીય સંપત્તિ તરીકે સોનાનું રોકાણ રાખવા માટે કરનારું પ્રથમ સંસ્થાકીય રોકાણ માધ્યમ બનશે. અમને આશા છે કે અન્ય ફંડ મેનેજર્સ, ફેમિલી ઓફિસ અને સંસ્થાકીય રોકાણકારો પણ આ દિશામાં આગળ આવશે અને ગિફ્ટ સિટીને માત્ર જ્વેલરી આયાતના કેન્દ્ર તરીકે નહીં, પરંતુ વૈશ્વિક ગોલ્ડ ફાઇનાન્સ હબ તરીકે વિકસાવવાના મૂળ વિઝનને સાકાર કરવામાં યોગદાન આપશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button