લોક સમસ્યા

સાધલી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો: તળાવની પાળ તોડ્યા બાદ હવે સ્વભંડોળના વિકાસ કામો સામે RTI ની એન્ટ્રી

સાધલી ગ્રામ પંચાયતમાં વિવાદ વકર્યો: તળાવની પાળ તોડ્યા બાદ હવે સ્વભંડોળના વિકાસ કામો સામે RTI ની એન્ટ્રી


સાધલી:
શિનોર તાલુકાના સાધલી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તળાવની મજબૂત પાળ તોડી પાડવાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં હવે પંચાયતના સ્વભંડોળમાંથી થઈ રહેલા વિકાસ કામો બાબતે નવો ફાટો પડ્યો છે. આ સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ (RTI) અંતર્ગત તમામ વિગતો માંગવામાં આવતા પંચાયત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અગાઉની પંચાયતો દ્વારા આશરે ₹25 લાખના ખર્ચે તૈયાર કરાયેલી તળાવની સુશોભિત દીવાલ અને પાળને વર્તમાન પંચાયતે તોડી પાડી હતી. એટલું જ નહીં, તળાવની અંદર 60 મીટર જેટલું દબાણ કરી તળાવની જ માટીથી પુરાણ કરી દેવાતા આ મામલે જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આ વિવાદ વચ્ચે જ, ચોમાસાની ઋતુમાં એકાએક પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી વિકાસ કામો ઝડપભેર શરૂ કરી દેવાયા છે. જેને પગલે જાગૃત નાગરિકે RTI અંતર્ગત મંજૂર થયેલા કામોની યાદી, વર્ક ઓર્ડર, એસ્ટીમેટની નકલો તેમજ તળાવની પાળ તોડવા માટે કરાયેલા ઠરાવની નકલો અને મંજૂરી આપનાર અધિકારીના નામ-હોદ્દાની પ્રમાણિત નકલો માંગી છે. ગત ગ્રામસભાઓમાં આવા કોઈ કામોની ચર્ચા ન થઈ હોવાથી, પંચાયત ધારા અને અધિનિયમો મુજબ જરૂરી પરવાનગીઓ લેવાઈ છે કે નહીં તે બાબતે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
વહીવટી ક્ષતિઓને કારણે અગાઉ પણ સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, ત્યારે વર્તમાન વિવાદ જોતા ચર્ચા જાગી છે કે શું આ વખતે પણ પંચાયતનું બોર્ડ સસ્પેન્ડ થશે? આ તળાવની પાળનો મામલો આગામી દિવસોમાં તલાટી, એસ.ઓ., TDO અને મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.
**- હસમુખ પટેલ (રિપોર્ટર), સાધલી**
**મોબાઈલ નંબર:** 94278 49499

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button