ગુજરાત
સુરતમાં અનરાધાર વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર સાથે સિવિલ ડિફેન્સ ગ્રાઉન્ડ ઝીરો પર

- સુરતમાં અનરાધાર વરસાદ વચ્ચે જિલ્લા તંત્ર સાથે સિવિલ ડિફેન્સ ગ્રાઉન્ડ ઝીરો પર
- સિવિલ ડિફેન્સના તમામ ડિવિઝનો કંટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહી રાહત બચાવ માટે સતત કાર્યરત
- અબ્રામા, વેલંજા અને નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૪૦થી વધુ નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર
- મોટા વરાછા રિવર સાઇડ રોડ પર લેન્ડસ્લાઇડના સ્થળે તાત્કાલિક બેરિકેડિંગ કરી ૨૫૦થી વધુ વાહનોને સુરક્ષિત ડાયવર્ટ કરાયા
- સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલ, સિવિલ ડિફેન્સ, મહેસૂલ વિભાગ, સુરત મહાનગરપાલિકા, પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF, NDRF, ભારતીય સેનાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ત્વરિત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન નવેદ શેખ અને ચાર ડે.ચીફ વોર્ડન દ્વારા કલેક્ટર કચેરી સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી પાંડેસરા, ચોકબજાર, કતારગામ, સરથાણા અને અમરોલી સહિતના તમામ ડિવિઝનોનું સતત મોનિટરિંગ અને સંકલન કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સની અમરોલી ડિવિઝનની ટીમ દ્વારા ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયાના નેતૃત્વમાં ગત રોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૭:૧૫ કલાક સુધી સતત મેદાનમાં રહી કામગીરી કરવામાં આવી હતી. અડાજણ અને અબ્રામા મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા બેઠક બાદ અમરોલી, અબ્રામા, વેલંજા, ઉમરા અને કઠોર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૪૦થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને વેલંજા પ્રા.શાળામાં ઊભા કરાયેલા રિલીફ સેન્ટરમાં ખસેડાયા છે, જ્યાં ભોજન, પીવાનું પાણી, આરોગ્ય તપાસ, વીજળી સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાંજના સમયે મોટા વરાછા ખાતે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી નદી કિનારાના માર્ગ પર અંદાજે ૪૦ મીટર જેટલો રસ્તો ધસી જતાં અને મોટી તિરાડો પડતાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. ડે. ડિવિઝનલ વોર્ડન આશિષ વડોદરિયા અને ટીમ દ્વારા તાત્કાલિક આ વિસ્તારને જોખમી જાહેર કરી ૧૦૦ મીટર સુધી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. પરિણામે ૨૫૦થી ૩૦૦ વાહનોને વૈકલ્પિક માર્ગે સુરક્ષિત ડાયવર્ટ કરીને સંભવિત અકસ્માત અટકાવાયો હતો. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા યથાવત છે તથા પરિસ્થિતિ તંત્રના પૂર્ણ નિયંત્રણ હેઠળ છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ ડિફેન્સની તમામ ટીમો આગામી દિવસોમાં પણ ૨૪×૭ એલર્ટ મોડ પર રહીને સેવારત રહેશે.



