ગુજરાત
સરસાણા ખાતે આયોજીત રોજગાર મેળામા ૧૫૮ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ

- સરસાણા ખાતે આયોજીત રોજગાર મેળામા ૧૫૮ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ
- વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી દેશભરમાં ૫૧ હજારથી વધુ યુવાનોને વિવિધ સરકારી વિભાગોમાં સેવા માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
- ‘નાગરિક દેવો ભવ’ની ભાવના સાથે સરકારી સેવા નિભાવવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો યુવાઓને સંદેશ
યુવા શક્તિ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી - નિમણૂક પત્ર મેળવનારા યુવાનોને રાષ્ટ્રસેવાની ભાવના સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ
સુરતઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી દેશભરમાં યોજાયેલા રોજગાર મેળામાં સુરત શહેરના સરસાણા કન્વેન્શન હોલ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના ૪૫ વિવિધ સ્થળોએ યોજાયેલા રોજગાર મેળા અંતર્ગત ૫૧ હજારથી વધુ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં સેવા માટે નિમણૂક પત્રોનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કર્યું હતું
સુરત ખાતે આયોજિત રોજગાર મેળામાં હાજર વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા ૧૫૮ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સહિત હાજર ન રહ્યા હોય તે મળીને કુલ ૨૬૪ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા. આ ઉમેદવારો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારો ઉપરાંત જયપુર, જોધપુર, રાજકોટ, જામનગર, મોરબી, વેરાવળ અને સુરતના હોવાનું જણાવાયું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા-૨૦૨૬ અંતર્ગત નિમણૂક પત્ર મેળવનારા યુવાનોને સંબોધતાં સરકારી સેવામાં જોડાયા બાદ ‘નાગરિક દેવો ભવ’ની ભાવના સાથે પોતાની ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો. સરકારી વ્યવસ્થામાં જોડાયા બાદ નાગરિકો સાથે સીધો સંપર્ક ધરાવતા કર્મચારીઓ જ સામાન્ય નાગરિક માટે સરકારનો ચહેરો બને છે. તેથી દરેક કર્મચારીએ પોતાની જવાબદારી પ્રામાણિકતા, સંવેદનશીલતા, સમયબદ્ધતા અને સેવાભાવ સાથે નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે નિમણૂક પત્ર મેળવનારા યુવાનો તથા તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરીને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવામાં આવી રહી છે. તેમણે યુવાનોને માત્ર સરકારી નોકરી નહીં પરંતુ દેશસેવાનો અવસર મળ્યો હોવાનું જણાવી ઈમાનદારી, સંવેદનશીલતા, સમયબદ્ધતા અને નાગરિકો પ્રત્યે સેવાભાવ સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવા માટે નવી ટેકનોલોજી અને નવીન કાર્યપદ્ધતિનો સ્વીકાર જરૂરી છે. દરેક વિભાગમાં સતત સુધારા અને નવીનતા દ્વારા કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવા યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રોજગાર મેળા દરમિયાન આવકવેરા વિભાગ, પોસ્ટ વિભાગ, રેલવે, બેન્કિંગ ક્ષેત્ર અને જળશક્તિ વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સીસીઆઈટી ગુજરાતના પ્રિન્સિપાલ શ્રી વિવેક વાડેકર, સુરતના સીસીઆઈટી શ્રી એમ.સી. સ્વાઇન, સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણ ઘોઘારી, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



