ઓખા નજીક મધદરિયે ફિશિંગ બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

ઓખા નજીક મધદરિયે ફિશિંગ બોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરની એક માછીમારી બોટ સાથે ઓખા નજીક દરિયામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માછીમારી અર્થે ગયેલી બોટના એન્જિનમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બોટ સળગીને ખાખ થઈ ગઈ હતી અને મધદરિયે જ ડૂબી ગઈ હતી. જોકે, બોટ પર સવાર તમામ ૫ ખલાસીઓનો બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સલાયા બંદરની આ બોટ નિયમિત માછીમારી માટે ઓખા નજીકના દરિયાઈ વિસ્તારમાં ગઈ હતી. સફર દરમિયાન અચાનક બોટની મશીનરીમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી, જેના કારણે એન્જિનમાંથી આગ લાગી હતી. વાતાવરણમાં શુષ્કતા અને બોટમાં રહેલા ફ્યુઅલના કારણે પળવારમાં જ આગે સમગ્ર બોટને લપેટમાં લઈ લીધી હતી. દરિયા વચ્ચે આગ લાગતાં જ બોટમાં સવાર ૫ ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ખલાસીઓએ સમયસૂચકતા વાપરીને નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટોની મદદ મેળવી લેતાં તમામ ખલાસીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા.
મધદરિયે બોટ બળીને ભસ્મીભૂત થઈ જળસમાધિ પામતાં બોટ માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.



