એકતા પરેડમાં ‘ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી’ની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની

એકતા પરેડમાં ‘ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી’ની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
એકતાનગર ખાતે રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડમાં સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ટેબ્લોએ વૈશ્વિક ઓળખ અને સમૃદ્ધિની ગાથા ઉજાગર કરી
રાષ્ટ્રીય એક્તા પર્વમાં સુરતની સમૃદ્ધિની નવી પહેચાન કરાવતી હીરા અને કાપડ ઉદ્યોગની ઝાંખીથી સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું
દેશભરમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ તરીકે અતિચૈતન્ય અને દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવી રહી છે. આ અવસરે એકતાનગર ખાતે આયોજિત ભવ્ય રાષ્ટ્રીય એક્તા પરેડમાં સુરતની વિશ્વ વિખ્યાત ડાયમંડ અને ટેક્સટાઈલ નગરીની અદ્ભુત ઓળખ દર્શાવતા સુંદર ટેબ્લોએ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ ટેબ્લો સુરત જિલ્લાની અપ્રતિમ સમૃદ્ધિ, અથાક મહેનત, કુશળ કારીગરી અને વૈશ્વિક વ્યાપારની આગવી પહેચાનનું જીવંત ચિત્રણ પૂરું પાડ્યું હતું. સુરત માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું એવું જીવંત કેન્દ્ર છે જ્યાં પરસેવો અને પુરુષાર્થ એક થઈને વિકાસના નવા માપદંડો રચે છે. હીરા અને કાપડ ઉદ્યોગે પોતાની અદભુત ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીના બળે વિશ્વપટલ પર ભારતનું ગૌરવ વધાર્યું છે અને એક મજબૂત નવી ઓળખ સ્થાપિત કરી છે.
એકતા પરેડમાં પ્રસ્તુત થયેલી આ ઝાંખી ઉદ્યોગ અને વ્યાપારની વાત સાથે સુરતના કરોડો શ્રમિકો, કારીગરો અને સાહસિક ઉદ્યોગસાહસિકોની મહેનત અને સમર્પણ ભાવનાને પણ ઉજાગર કરે છે. સુરત એટલે મહેનત, કારીગરી અને વ્યાપારનું જીવંત કેન્દ્ર – આ સંદેશ સાથે પ્રસ્તુત થયેલું આ ટેબ્લો આત્મનિર્ભર અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સુરતનું અમૂલ્ય યોગદાન સ્પષ્ટપણે દર્શાવે છે. આ ભવ્ય પ્રસ્તુતિએ રાષ્ટ્રીય મંચ પર સુરતની આગવી પ્રતિષ્ઠા અને વિકાસની અવિરત ગતિને વધુ એકવાર ગૌરવાન્વિત કરી છે.



