ગુજરાત

ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ ૨૪ કલાક કમોસમી વરસાદની આગાહી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ હજુ ટળ્યું નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૦થી વધુ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વધી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દીવમાં પણ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આમ, રાજ્યના ૧૦થી વધુ વિસ્તારોમાં માવઠાની શક્યતાને પગલે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની જરૂર છે.
એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે, તો બીજી તરફ આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે. એટલે કે આગામી ૨૪ કલાક વરસાદી માહોલ રહ્યા બાદ લોકોને ફરી ગરમીનો અનુભવ થઈ શકે છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડયો છે. અચાનક આવેલા વરસાદને કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમરેલી જિલ્લાના વડિયામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અમરેલી જિલ્લાના બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. હડાળા, માવજીજવા, પીઠડિયા, ખારી અને ડેરી પીપરીયા સહિતનાં ગામોમાં વરસાદ પડતાં ખેતીના પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. કુકાવાવ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો.
કમોસમી વરસાદ વચ્ચે અમરેલી જિલ્લાના સકરવા ગામમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખેતમજૂરી કરી રહેલાં માધીબેન મકવાણા પર આકાશી વીજળી પડતાં તેમનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ડોડીયાળા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા પાક પર વરસાદને કારણે પાણી ફરી વળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button