સ્વદેશી નાણાકીય સલાહકાર પરિષદ સુરત એકમની કરાઈ રચના

સ્વદેશી નાણાકીય સલાહકાર પરિષદ સુરત એકમની કરાઈ રચના
સુરત : સ્વદેશી જાગરણ મંચથી પ્રેરિત સ્વદેશી નાણાકીય સલાહકાર પરિષદ સુરત એકમની રચના રવિવારે ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે સ્વદેશી જાગરણ મંચના સંગઠન મંત્રી કાશ્મીરીલાલ, સહ સંગઠન મંત્રી સતીશ તેમજ સ્વદેશી નાણાકીય સલાહકાર પરિષદના રાષ્ટ્રીય સંયોજક (કન્વીનર) આર. સુંદરમ અને રાષ્ટ્રીય સચિવ અર્પિત મિત્તલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સલાહકારો અને નાણાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકોને એક મંચ પર જોડીને નાણાકીય જાગૃતિ, સ્વદેશી ઉદ્યોગસાહસિકતા, આર્થિક સશક્તિકરણ અને રાષ્ટ્રનિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.
આ પ્રસંગે સ્વદેશી નાણાકીય સલાહકાર પરિષદ સુરત એકમની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાહુલ અગ્રવાલ, ઉપપ્રમુખ તરીકે સુરેન્દ્ર ગાંધી, મંત્રી તરીકે દિલીપ સિંહ ગેહલોત, સંયુક્ત મંત્રી તરીકે રાહુલ અગ્રવાલ, ખજાનચી તરીકે અનુરાગ અગ્રવાલ, સહ-ખજાનચી તરીકે આકાશ અગ્રવાલ, મહિલા પાંખના પ્રમુખ તરીકે સિદ્ધિ પારેખ સહિત અન્ય પાંચ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
સમારોહમાં ઉપસ્થિત અતિથિઓએ તમામ નાણાકીય વ્યવસાયિકોને પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ દેશની આર્થિક મજબૂતી, સ્વદેશી વ્યવસાયોને પ્રોત્સાહન તથા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં કરવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમની પૂર્ણાહુતિ તમામ અતિથિઓ અને ઉપસ્થિત સભ્યો પ્રત્યે આભાર વ્યક્ત કરીને કરવામાં આવી હતી. પરિષદે ભવિષ્યમાં નાણાકીય જાગૃતિ અને આર્થિક સશક્તિકરણના ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. સ્વદેશી વિચાર, નાણાકીય સશક્તિકરણ અને સામૂહિક પ્રયાસોથી સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવું એ જ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય છે.



