ગુજરાત

કાશીબા ગોટી ટ્રસ્ટના 1008 સરસ્વતીધામ નિર્માણ અભિયાનને મળ્યો નવો વેગ

મનહરભાઈ કાકડિયાનો શિક્ષણસેવાનો મહાદાન: 352થી 702 સુધીનાં 351 સરસ્વતીધામના નિર્માણ ખર્ચના 50 ટકા સહયોગ આપવાની જાહેરાત

સુરત : માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા દેશના અંતરિયાળ, આદિવાસી અને વંચિત વિસ્તારોમાં શિક્ષણની પાયાની સુવિધાઓ વિકસાવવાના ઉદાત્ત હેતુથી હાથ ધરવામાં આવેલા ‘સરસ્વતીધામ નિર્માણ અભિયાન’માં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે.
ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી દ્વારા સ્વલક્ષ્મીના સમર્પણથી ટ્રસ્ટ હેઠળ 351 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સહયોગી દાતાશ્રીઓના નિષ્ઠાવાન સહકાર અને ટ્રસ્ટના અવિરત પ્રયાસોથી આ પ્રથમ ચરણનો સંકલ્પ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે.
આ સેવાયાત્રાને વ્યાપક ફલક પર લઈ જઈને હવે કુલ 1008 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે. આ મહાસંકલ્પને સાકાર કરવાની દિશામાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને કાકડિયા બિલ્ડર્સના શ્રી મનહરભાઈ કાકડિયા ઉમદા ભાવ સાથે આગળ આવ્યા છે. તેમણે ક્રમાંક 352થી 702 સુધીના કુલ 351 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણ માટે થનાર કુલ ખર્ચના 50 ટકા રકમની અનોખી સહાય આપવાની સંમતિ દર્શાવી છે.
કાશીબા ગોટી ટ્રસ્ટના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દાનસહયોગ છે, જે ટ્રસ્ટની શિક્ષણસેવાની આ યત્રામાં એક સીમાચિહ્ન સમાન મહત્ત્વપૂર્ણ યોગદાન છે.
શ્રી મનહરભાઈ કાકડિયાનો આ સહયોગ માત્ર આર્થિક દાન નથી, પરંતુ દેશના દુર્ગમ વિસ્તારોમાં વસતાં અસંખ્ય બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધાઓ અને ઉજ્જ્વળ ભવિષ્યની સોનેરી તકો પૂરી પાડવાની દિશામાં એક દીર્ઘદ્રષ્ટિવાળું કદમ છે.
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આ વિરાટ અને પ્રેરણાદાયી સહયોગ બદલ શ્રી મનહરભાઈ કાકડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ટ્રસ્ટને દ્રઢ વિશ્વાસ છે કે, આવા સમર્પિત દાતાશ્રીઓ અને સેવાભાવી મહાનુભાવોના સહયોગથી 1008 સરસ્વતીધામ ભવનોનાં નિર્માણનો આ મહાસંકલ્પ પણ શીઘ્ર સાકાર થશે અને રાષ્ટ્રનિર્માણના આ યજ્ઞમાં વંચિત બાળકોનાં જીવનમાં નવો પ્રકાશ રેડાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button