ગુજરાત

વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો, સુરતમાં કોચનો કાચ તૂટ્યો

ચાર મહિનામાં સુરત નજીક ટ્રેન પર પથ્થરમારાની ત્રણ ઘટનાઓથી રેલવે તંત્રમાં ચિંતા

સુરત: દેશની પ્રીમિયમ અને હાઈસ્પીડ ટ્રેનોમાં સ્થાન ધરાવતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગત 17 નવેમ્બરની સાંજે ગાંધીનગરથી મુંબઈ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો થતાં ટ્રેનના કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. ચિંતાજનક બાબત એ છે કે માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં વંદે ભારત પર પથ્થરમારાની આ બીજી ઘટના છે. જ્યારે છેલ્લા ચાર મહિનામાં સુરત નજીક આવી ત્રણ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20902 ગત 17 નવેમ્બરે સાંજે આશરે 5:23 કલાકે સુરતના સચિન અને ભેસ્તાન રેલવે સ્ટેશન વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ટ્રેનને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો. પથ્થર કોચ નંબર C4ની બારી પર વાગતાં જોરદાર અવાજ થયો હતો. આ કોચમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે ઘટનાની જાણ કરી હતી.
પથ્થર વાગવાથી બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો, જોકે સદનસીબે અંદરનો કાચ સુરક્ષિત રહ્યો હતો. જેના કારણે મુસાફરોને કોઈ ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. અચાનક થયેલા અવાજ અને કાચને થયેલા નુકસાનને કારણે મુસાફરોમાં થોડા સમય માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સુરક્ષા જવાનોએ ઘટનાસ્થળની આસપાસ તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો નહોતો. સ્થાનિક લોકો પાસેથી પણ પથ્થરમારાની ઘટના અંગે કોઈ નક્કર માહિતી મળી શકી નહોતી.
આ મામલે રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પથ્થરમારો કરનાર તત્વોને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button