ડાંગની પૂર્ણા નદીના પાણીમાં આવેલું પ્રખ્યાત માયાદેવી મંદિર તંત્રની ઉપેક્ષાનો ભોગ
માતાજીનાં દર્શન કરવા જતો રસ્તો તૂટેલી હાલતમાં, પાણીની વચ્ચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર શ્રદ્ધાળુઓ : કોઈ ભક્ત ડૂબી જાય પછી જ તંત્રની આંખ ઊઘડશે?

✍🏻 ડાંગ | રિપોર્ટર: ભાવેશ પટેલ
ડાંગ જિલ્લાની પૂર્ણા નદીના પાણીની વચ્ચે આવેલું ભેંસકાતરી નજીકનું પ્રખ્યાત પૌરાણિક માયાદેવી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક વિશેષ કેન્દ્ર છે. દૂરદૂરથી ભક્તો માતાજીનાં દર્શન કરવા અહીં આવે છે. પરંતુ હાલ આ પવિત્ર સ્થળે પહોંચવાનો માર્ગ જ જોખમી બની ગયો હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે.
માતાજીનાં દર્શન કરવા માટે પૂર્ણા નદીના પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે. પરંતુ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલો માર્ગ તૂટી જતાં શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તૂટેલા રસ્તા પરથી પસાર થતી વખતે પગ લપસી જવાની અને સીધા નદીના પાણીમાં પડી જવાની શક્યતા રહેલી છે. પાણીની ઊંડાઈ અને પ્રવાહની સ્થિતિને ધ્યાનમાં રાખતાં કોઈ ભક્ત પાણીમાં ડૂબી જાય તેવી ગંભીર આશંકા પણ નકારી શકાય તેમ નથી.
ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે આ માર્ગ જોખમથી ભરેલો છે. ધાર્મિક આસ્થા સાથે માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તોને સુરક્ષિત માર્ગની સુવિધા આપવાની જવાબદારી કોની? વર્ષોથી જાણીતા આ ધાર્મિક સ્થળે જો દર્શનનો માર્ગ જ જોખમી હોય તો સંબંધિત તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
એક તરફ ડાંગ જિલ્લામાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પૂર્ણા નદીના પાણીની વચ્ચે આવેલા માયાદેવી મંદિર સુધી પહોંચવાનો રસ્તો તૂટેલી હાલતમાં હોવો તંત્રની પ્રાથમિકતાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
શું સંબંધિત અધિકારીઓએ ક્યારેય સ્થળની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓની મુશ્કેલી જાણી છે? શું આ તૂટેલા માર્ગના સમારકામ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું છે? જો કોઈ શ્રદ્ધાળુનો પગ લપસી જાય અને ડૂબી જવાની દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે?
તંત્ર તાત્કાલિક જાગે, નહીં તો દુર્ઘટનાની જવાબદારી કોની?
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ તેમજ સંબંધિત જવાબદાર વિભાગ તાત્કાલિક માયાદેવી મંદિરના માર્ગની સ્થળ તપાસ કરે અને તૂટેલા માર્ગનું મજબૂત સમારકામ કરાવે તેવી માંગ છે. સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જોખમી સ્થળે સુરક્ષા વ્યવસ્થા, ચેતવણીનાં બોર્ડ અને જરૂરી અવરોધો મૂકવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.
હવે સીધો સવાલ એ છે કે પૂર્ણા નદીમાં આવેલા માયાદેવી મંદિરના તૂટેલા દર્શન માર્ગનું સમારકામ ક્યારે થશે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?
શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત ન થવી જોઈએ. માતાજીનાં દર્શન કરવા આવતા ભક્તોને સુરક્ષિત માર્ગ આપવો એ કોઈ ઉપકાર નથી, પરંતુ જવાબદાર તંત્રની ફરજ છે. હવે માત્ર આશ્વાસન નહીં, સ્થળ પર કામગીરી દેખાવી જોઈએ!



