વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે તેમજ હજીરાથી ધુલિયા નેશનલ હાઇવેના પ્રશ્નોના નિવારણ માટે NHAIના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ
સુરતઃગુરૂવારઃ- વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસના સભાખંડમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે તેમજ હજીરાથી ધુલિયા સુધીના નેશનલ હાઇવેના પ્રશ્નોના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI) અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ-ધારાસભ્યશ્રીઓ, સુરત, નવસારી, નર્મદા, વલસાડ અને તાપી એમ પાંચ જિલ્લાના કલેકટરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં સંપાદનની જમીનો સંદર્ભે કોઈ અડચણ ઉભી ન થાય અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની સમયસર કામગીરી પૂર્ણ થાય એ માટે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. સંપાદનમાં થ્રી-એની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે થ્રી-ડીની કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે એમ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આભવા ઉભરાટનો નવો બ્રિજ સાકાર થનાર છે, જેમાં સુરત અને નવસારી એમ બંને તરફની જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી ઝડપભેર બ્રિજનિર્માણનું કાર્ય શરૂ થઈ જશે.
બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી સંદિપ દેસાઇ, મોહનભાઈ ઢોડિયા, રમેશ મિસ્ત્રી, નરેશ પટેલ, જયરામ ગામીત, અરૂણસિંહ રણા, મોહનભાઈ કોકણી, સુરત કલેક્ટરશ્રી આયુષ ઓક, નવસારી કલેકટરશ્રી અમિતપ્રકાશ યાદવ, નર્મદા કલેકટર શ્વેતા તેવતીયા, ભરૂચ કલેકટરશ્રી તુષાર સુમેરા, તાપી કલેક્ટરશ્રી વિપિન ગર્ગ, સુરત જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોયસર, નર્મદા જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુમ્બે, સિટી પ્રાંત અધિકારીશ્રી જી.વી.મિયાણી, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી સી.કે. ઉંધાડ તેમજ સ્ટેટ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, જમીન સંપાદન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.