વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મીએ વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે

સુરતઃશુક્રવારઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ(CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૭મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે. અંદાજિત રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે.