પ્રાદેશિક સમાચાર

સુરતમાં આયોજિત ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શનમાં બિદ્રી આર્ટથી સુરતીઓ પ્રભાવિત

કર્ણાટકના બિદર જિલ્લાના નામ પરથી 'બિદ્રી આર્ટ' થઈ છે પ્રખ્યાત

સુરત:ગુરૂવાર: દક્ષિણ પશ્વિમ કિનારે આવેલું કર્ણાટક એ ભારતનું સાતમું સૌથી મોટું રાજ્ય છે. કર્ણાટકનો ઈતિહાસ અસંખ્ય રાજવંશો અને સામ્રાજ્યોના ઉદય અને પતનથી ભરપૂર છે. કર્ણાટકના બિદર જિલ્લાની બિદ્રી આર્ટ દેશભરમાં વિખ્યાત છે. સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૨૫મી સુધી ચાલનાર ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં કર્ણાટકના બિદર ગામના વતની રાજકુમાર નાગેશ્વર પરિવારની ૬૦૦ વર્ષ જૂની કોનોઈઝર્સની પર્શિયન ક્રાફ્ટની ભારતીય ઈનોવેશનની બિદ્રી આર્ટને જીંવત રાખી રહ્યા છે.

બિદ્રી આર્ટ વર્કની વર્ષો જૂની પૌરાણિક કહાની વર્ણવતા રાજકુમાર નાગેશ્વરે જણાવ્યુ કે, બિદ્રી આર્ટની શરૂઆત ૧૬મી સદીમાં થઈ હતી. ૧૬મી સદીમાં થયેલા રાજા બહામાનિસના રાજ્યમાં આ કલાનો ઉદય થયો હતો. જૂની પર્સિયન હસ્તકલાના પ્રતિકરૂપ આ બિદ્રી કલા અમારા વડવાઓ તરફથી મળેલો અમૂલ્ય વારસો અને ભેટ છે. બિદર જિલ્લાના નામ પરથી ‘બિદ્રી આર્ટ’ આપવામાં આવ્યું છે, જે આ જિલ્લાની ધાતુની કલા છે. બિદ્રી વર્કમાં પહેલા સોના-ચાંદીનું નકશીકામ થતું હતું. હું છેલ્લા ૪૦ વર્ષોથી આ કલા સાથે સંકળાયેલો છું. મારા પરિવારની આ ચોથી પેઢી છે જે બિદ્રી વર્ક કરી રહી છે.

બિડ બિદ્રીવેરને તાંબા, જસત, કોપર અને અન્ય નોન-ફેરસ ધાતુઓના એલોયથી તૈયાર કરવામાં આવતી એક પ્રકારની ધાતુની કલા છે. કાસ્ટિંગ પર સુંદર ડિઝાઇન કોતરવામાં આવે છે, અને શુદ્ધ ચાંદીના વાયરથી જડવામાં આવે છે. જે પછી બફિંગ મશીન વડે પોલિશ કરી અને પછી કાસ્ટિંગને બિદર કિલ્લાની માટી સાથે મિશ્રિત દ્રાવણમાં પલાળવામાં આવે છે, જેમાં ખાસ ઓક્સિડાઇઝિંગ ગુણધર્મો હોય છે. આનાથી ઝિંક એલોય ચમકદાર બને છે. આ બિદ્રી હસ્તકલા સમગ્ર ભારત સહિત વિશ્વમાં પણ પોતાની આગવી ઓળખથી ઓળખાય છે. ભારત સહિત યુરોપીયન દેશોથી ખૂબ ઓર્ડર મળી રહ્યા છે.

રાજકુમારે વધુમાં જણાવ્યું કે, આજના આધુનિક ટેકનોલોજીના ડિજીટલ યુગમાં પણ હાથના હુન્નર દ્વારા કલાકારીથી વિવિધ ડિઝાઈન તૈયાર થાય છે. કોઈ પણ મશીનના ઉપયોગ વગર જ ધાતુમાંથી બહેનો માટે નેક્લેસ, બુટ્ટી, બેંગલ્સ, પેન્ડલ, જ્વેલરી બોક્ષ, કિચન, હાથી, ઉંટ, સુરાહી હુક્કા, ફ્લાવર પોર્ટ જેવી હસ્તકલાની યુનિક વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. બિદ્રી વર્કને વર્ષો સુધી સાચવી શકાય છે. બિદ્રી એ બિદરનું બ્લેક ગોલ્ડ કહેવાય છે. લાઈફ લોન્ગ આઈટમ બને છે. જેટલું જૂનું થશે એની વેલ્યુ વધશે. ૨૦૦ -૩૦૦ વર્ષ પછી મ્યુઝિયમ આઈટમ બની જશે એમ રાજકુમારે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, બિદ્રીવેરએ કર્ણાટક રાજ્યના હસ્તકલા અંતર્ગત ૨૦૦૮-૦૯ વર્ષમાં જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) ટેગ મળવાની સાથે સ્ટેટ એવોર્ડ મળ્યો હતો. GI ટેગ થકી બિદ્રી કલામાં નવા પ્રાણ ફુંકાયા છે. સદીઓ જૂની લુપ્ત થતી સિલ્પ કલાને આવનાર નવી પેઢીને ભેટ આપવા બિદર જિલ્લાના જૂજ કારીગરો બિદ્રી હેન્ડીક્રાફ્ટ વર્કને જીંવત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સાહસિકોની સર્જનાત્મકતા અને અવિરત ભાવના સાથે વોકલ ફોર લોકલનો મંત્ર સાર્થક થતો દેખાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button