લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67 કરોડથી વધુની સંપત્તિ છે.

લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી લડતા ભાજપના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67 કરોડથી વધુની સંપત્તિ છે. જોકે, તેઓની પાસે કોઇ પણ કાર કે વાહન નથી.અમિત શાહ પાસે માત્ર 24,164 હજાર રૂપિયા કેસ છે. ગત ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી સમયે રજૂ કરેલી આવકની વિગતો મુજબ 30.49 કરોડની સંપત્તિ હતી. આમ પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 100 ટકા કરતા પણ વધુનો વધારો થયો છે.
અમિત શાહે જંગી રોડ શો સાથે ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે ત્યારે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની પાસે રોકડ, બેન્કની બચત-ડિપોઝિટ તેમજ શેરોમાં રોકાણ અને સોના-ચાંદી સાથે કુલ મળીને સ્વપાર્જિત અને વારસાગત સહિતની 20.33 કરોડથી વધુની જંગમ મિલકત છે. જેમાં 17.46 કરોડથી વધુનું શેરોમાં રોકાણ છે. 21.84 લાખથી વધુની પોલિસી છે. 72.87 લાખથી વધુના સોના-ચાંદી છે. જોકે તેઓએ તેમની મિલકતમાં કાર કે ગાડી સહિત કોઇ પણ વાહન ન હોવાનું દર્શાવ્યું છે. જ્યારે તેઓની પત્ની પાસે રોકડ, બેન્ક બચત અને શેરોમાં રોકાણ સાથે 22.46 કરોડથી વધુની જંગમ સંપત્તિ છે. જેમાં 93.11 લાખથી વધુની ડિપોઝિટ અને શેરોમાં રોકાણ 20 કરોડથી વધુનું છે અને 1.10 કરોડથી વધુના સોના-ચાંદી ઝવેરાત છે.
અમિત શાહ પાસે જુદી જુદી જગ્યાએ કૃષિ જમીન અને બીન ખેતી જમીન તેમજ પ્લોટ અને મકાનો સાથે કુલ મળીને 16.31 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. અમિત શાહ વડનગર અને દસક્રોઇમાં જમીનો ધરાવે છે. આ ઉપરાંત આશ્રમ રોડ, ગુરૂકુલ, થલતેજ અને ગાંધીનગર સહિતના સ્થળે મકાનો ધરાવે છે. જ્યારે તેઓની પત્ની પાસે જુદા જુદા સ્થળે મકાનો સહિતની 6.55 કરોડથી વધુની સ્થાવર મિલકત છે. અમિત શાહ સામે હાલ જુદી જુદી કોર્ટમાં મળીને કુલ ત્રણ કેસ પેન્ડિંગ છે.