Uncategorized

પ્રાણીશાસ્ત્રના ક્ષેત્રમાં ગુજરાતના સુરતથી થઈ નવી સાપ પ્રજાતિની ખોજ

પ્રાણીશાસ્ત્રના ક્ષેત્રમાં ગુજરાતના સુરતથી થઈ નવી સાપ પ્રજાતિની ખોજ

સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી મહેનત કરી એક નવી પ્રજાતિના સાપની ખોજ કરી

ગુજરાતમાં ૬૪ જેટલી પ્રજાતિના સાપ છે, જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને ૬૫ થઈ

સુરત: ગુરૂવાર: સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ એસ. પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી મહેનત કરી સુરત અને ગુજરાતના સાપોમાં એક નવી પ્રજાતિના સાપની ખોજ કરી છે. દિકાંશ સુરતના એક માત્ર એવા હર્પેટોલોજિસ્ટ અને રિસર્ચ સ્કોલર છે, જેમણે ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક પર સંશોધન કરી ૨૦૨૧ માં એક નવી પ્રજાતિ ગેકો વેસ્ટર્ન ઘાટમાંથી શોધી હતી. તેનું વૈજ્ઞાનિક નામ “ડેન્ડ્રેલાફીસ પ્રોઆર્કોસ” છે, જે મ્યાનમાર, ચીન, બાંગ્લાદેશ, લાઓસ તથા વિયેતનામ જેવા દેશોમાં મળતો સાપ છે, આ પ્રજાતિના કુલ ૭ સ્પેસિમેન પર ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી સંશોધન થયું છે, જેમાં સાપની મોર્ફોલોજી, મોર્ફોમેટ્રિક્સ અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે તેમજ સુરતમાં કેવી રીતે આ સાપની પ્રજાતિ આવી એના ઉપર રિસર્ચ કરવામાં આવે છે. સુરતના ઉધના, નવસારી બજાર, વેસુ, ઓલપાડ અને ડુમસ વિસ્તારમાં આ સાપનો વસવાટ છે. ગુજરાતમાં ૬૪ જેટલી પ્રજાતિના સાપ છે, જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને ૬૫ થઈ છે.

રિસર્ચ સ્કોલર દિકાંશ પરમાર જણાવે છે કે, આ સાપ બ્રોન્ઝબેક પ્રજાતિનો સાપ છે જેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે, કારણ કે એની પીઠનો રંગ તાંબા જેવો હોય છે. અત્યાર સુધી ગુજરાત અને સુરતમાં માત્ર એક બ્રોન્ઝબેક પ્રજાતિનો સાપ હતો, જેને કોમન બ્રોન્ઝબેક (વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રેલાફીસ ટ્રીસ્તીસ) કહેવાય છે. પણ આ શોધ પછી હવે ઈસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક અને કોમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એમ બે પ્રજાતિના સાપો થયા છે. બ્રોન્ઝબેક સ્નેકની લગભગ ૧૧ જેટલી પ્રજાતિઓ સાથે આ સાપના ટેક્સોનોમી, મોર્ફોલોજી, મોર્ફોમેટ્રિક્સ અને ડીએનએ જેવા કેરેક્ટર્સની તપાસ કરવામાં આવી અને એના એક એક કેરેક્ટરને મેચ કરીને આ નવો મળેલો સાપ દુર્લભ એવો ઈસ્ટર્ન બ્રોન્ઝબેક છે એવુ સંશોધનમાં ફલિત થયું. તેના ૭ જેટલા સ્પેસિમેન્સને શોધવામાં અને એની ઉપર સંશોધન કરવામાં ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો.

પહેલી નજરે જોતા ઈસ્ટર્ન બ્રોન્ઝબેકની જીભ લાલ રંગની હોય છે અને કોમન બ્રોન્ઝબેકની વાદળી રંગની હોય છે. ઈસ્ટર્ન બ્રોન્ઝ બેકમાં આંખથી ગળા સુધી એક કાળી પટ્ટી જોવા મળે છે, જ્યારે કોમન બ્રોન્ઝ બેકમાં તે નથી હોતી.

ભીંગડાની વાત કરીએ તો ઈસ્ટર્ન બ્રોન્ઝ બેકમાં એનલ પ્લેટ અવિભાજિત હોય છે, જ્યારે કોમન બ્રોન્ઝ બેકમાં વિભાજિત હોય છે. આવા ઘણા કેરેક્ટર્સનું માપ લઈને અને ૧૧ જેટલી પ્રજાતિઓ સાથે રિસર્ચની મહેનત પછી રિસર્ચ પેપરને ન્યૂઝીલેન્ડની ઝૂટાક્સા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં તમિલનાડુના એસ.આર. ગણેશ, મુંબઈના ઈશાન અગ્રવાલ અને જર્મનીના રિસર્ચર ગેર્નોટ વોગલનો પણ સહયોગ મળ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image