મગદલ્લાના દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી

મગદલ્લાના દરિયામાં કોલસા ભરેલી બોટ પલટી
મગદલ્લાના મધદરિયે વિદેશથી લાવવામાં આવેલા કોલસાને વેસલમાંથી નાની બોટ દ્વારા જેટી સુધી લાવવાની કામગીરી દરમિયાન એક બોટ અચાનક પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોટમાં અંદાજે પાંચ વ્યક્તિ સવાર હોવાનું જાણવા મળ્યું છે.
બોટ પલટી જતા જ સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કુદી પડ્યા હતા. તે સમયે નજીકથી પસાર થતી અન્ય બોટના સવારોએ તાત્કાલિક મદદ કરી તમામને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ હાશકારો લીધો હતો.
જો કે બોટમાં લાદવામાં આવેલો કોલસાનો સામાન દરિયાના પાણીમાં ગરક થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસની અન્ય કોલસા ભરેલી બોટોમાં સવાર લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ બનાવ અંગે મેરીટાઈમ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને દરિયા કિનારે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



