શિનોરમાં 24 કલાકમાં લાકડા અને રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર મામલતદાર દ્વારા ઝડપી, કાર્યવાહી હાથ ધરાઈ

શિનોરમાં 24 કલાકમાં લાકડા અને રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર મામલતદાર દ્વારા ઝડપી, કાર્યવાહી હાથ ધરાઈ
શિનોર – શિનોર તાલુકામાં બિનઅધિકૃત ધંધાઓ સામે કાર્યવાહી કરતા મામલતદાર કચેરીએ માત્ર 24 કલાકની અંદર લાકડાની ચોરી અને રેતીની ચોરી કરતા બે અલગ-અલગ ટ્રેક્ટરો ઝડપી પાડીને જપ્ત કર્યા છે.
તા. 22 ડિસેમ્બરે મામલતદાર દ્વારા ધોળા દિવસે વૃક્ષો કાપીને લાકડાની ચોરી કરી લઈ જતા નંબર વગરના ટ્રેક્ટરને ઝડપી પાડી જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજરોજ નર્મદા નદીમાંથી પાસ-પરમિટ વગર રેતીની ચોરી કરીને વહન કરી જતા એક ટ્રેક્ટરને સુરાશામળ રોડ પરથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા ટ્રેક્ટરનો નંબર GJ-06-DH-5603 છે, જેના પર ફોન નંબર 9924414901 લખાયેલો છે. ટ્રોલી નંબર GJ-38-TC-0003 નોંધાયો છે. ટ્રેક્ટરનો ડ્રાઈવર પોતાનું નામ સદ્દામ હોવાનું જણાવે છે, જ્યારે માલિક તરીકે શિનોરના સબ્બીરનું નામ સામે આવ્યું છે.
માત્ર 24 કલાકમાં મામલતદાર કચેરી દ્વારા બે અલગ-અલગ ચોરીના કિસ્સામાં ટ્રેક્ટરો પકડી પાડતા તંત્રની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ, સેવા સદન કચેરી શિનોર સામેમાંથી ઓવરલોડ રેતી, ગ્રેવલ અને મેટલ ભરેલા મોટા હાઈવા તથા ડમ્પરો દિવસ-રાત કોઈ રોકટોક વિના પસાર થતા હોવાના આરોપો ઉઠી રહ્યા છે.
આ ઓવરલોડ વાહનોના કારણે શિનોર-માલસર રોડ સંપૂર્ણપણે ખરાબ હાલતમાં પહોંચી ગયો હોવા છતાં તેમના સામે પગલાં કેમ લેવાતા નથી, તે બાબતે સ્થાનિકોમાં ભારે ચર્ચા છે. તાલુકાની તમામ સરકારી કચેરીઓ આ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં અધિકારીઓની નિષ્ક્રિયતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.



