જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
તમામ મતદાતાઓને ઉપયોગી હેલ્પલાઇન નંબર, વિવિધ એપ્લિકેશન્સ અને વેબસાઈટ્સ વિષે વાકેફ કરાયા: સૌએ ફરજિયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા
સુરત:શુક્રવાર: જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે સ્વીપ અંતર્ગત ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે યુવાનોમાં મતદાન અંગે જાગૃત થવા અને પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા આપી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમમાં તમામ મતદાતાઓને ફિલ્મ નિદર્શન અને PPT પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન વિષે ઉપયોગી બાબતોની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ, વોટર હેલ્પલાઈન એપ, C-vigil વિષે પણ માહિતી પૂરી પડાઈ હતી. ઉપસ્થિત સૌએ ફરજિયાત મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે શિવાની ગોયલે યુવાઓને લોકશાહીનું મહત્વ સમજાવી તેઓને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, મતદાનના મહામૂલા અધિકાર દ્વારા લોકો દેશ માટે યોગ્ય પ્રતિનિધિનું ચયન કરી શકે છે. યુવાઓને દેશનું ઉજ્જવળ ભાવિ ગણાવી ડીડીઓશ્રીએ દરેક યુવાનને મતદાનના અધિકારનો ઉપયોગ કરી જાગૃત મતદાતા તરીકેની ફરજ પૂરી કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે યુનિના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ દરેક વિદ્યાર્થીઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરી સ્વજનો અને પરિચિતોને પણ મતદાન માટે પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. તેમજ દરેક વિદ્યાર્થીઓને મતદાનના દિવસે સોશિયલ મીડિયા પર ફોટો, વિડીયો અપલોડ કરી અન્યોને પણ મતદાનની પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે યુનિ.ના રજિસ્ટ્રાર ડૉ.આર.સી.ગઢવી, TIP સબ નોડલ ઓફિસરો કોમલ ઠાકોર અને જયેશ પટેલ તેમજ આઈ.ટી વિભાગના નેન્સી પટેલ અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.