અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ (ANIL) દ્વારા મુંદ્રામાં સોલારના પાર્ટ્સનું ઉત્પાદન શરૂ

અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ (ANIL) દ્વારા મુંદ્રામાં સોલારના પાર્ટ્સનું ઉત્પાદન શરૂ
સોલાર લાઈનને સપોર્ટ કરતી સપ્લાય ચેઈન
અદાણી એન્ટરપ્રાઇઝિસની ગ્રીન એનર્જી કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (ANIL) સોલાર સેલ અને ઉત્પાદન ક્ષેત્રમાં નવા શિખરો સર કરી રહી છે. અદાણી ગ્રુપ મુન્દ્રા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થિત કંપનીએ સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ માટેના મુખ્ય ભાગોના ઉત્પાદન માટે વિશેષ સુવિધાઓ ઊભી કરી છે.
કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ યોજના સૌર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઇનને ટેકો આપવા માટે પોતાની સપ્લાય ચેઇન બનાવવા અંગે કેન્દ્રિત છે. ANIL હાલમાં પોલિસીલિકોન વેફર્સ, ઇંગોટ્સ, સેલ અને મોડ્યુલ્સનું ઉત્પાદન કરી રહી છે, જે સોલાર મોડ્યુલ ઉત્પાદનમાં જરૂરી સાધનો માટે એન્ડટો-એન્ડ સિસ્ટમ બનાવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની ANIL ઓછા કાર્બન ઉત્સર્જન કરતા પ્રોજેક્ટ્સ ચલાવે છે. તે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, વિન્ડ ટર્બાઇન અને સોલર મોડ્યુલ બેટરીના ઉત્પાદનમાં કામ કરે છે. ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલ એનર્જીસ ANIL માં 25 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ બાકીનો હિસ્સો ધરાવે છે. તાજેતરમાં અદાણી ગ્રૂપ દ્વારા સપ્લાય ચેઇન સોલ્યુશન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવા માટે ચીનમાં પણ સબસિડિયરી કંપનીની રચના કરી છે.
વિશ્વના અનેક દેશો ગ્રીન એનર્જી ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેવામાં અદાણી જૂથ પણ વર્ષ 2027 સુધી સોલાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતા વધારવા કામ કરી રહ્યું છે. અદાણી ગ્રુપના સૌર ઊર્જા ઉત્પાદન એકમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પાસે 3000 મેગાવોટથી વધુની નિકાસ ઓર્ડર બુક છે.
સૌર ઉર્જાથી વપરાતા તમામ સાધનો પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વીજળી ઉત્પન્ન કરે છે. સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને, તમે ઇલેક્ટ્રિક ગ્રીડમાંથી વીજળીના મોટા બિલને ઘટાડી શકો છો અને સરકાર દ્વારા શરૂ કરાયેલ સબસિડી યોજનાનો લાભ પણ લઈ શકો છો.
ઉલ્લેખનીય છે કે, અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મુન્દ્રા સોલર ટેક્નોલોજી લિમિટેડને અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે મર્જ કરવામાં આવી છે. એનર્જી સેક્ટરમાં વિસ્તરણ માટે લીધેલા મહત્વના નિર્ણય અંતર્ગત બે પેટાકંપની એકમોને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) સાથે મર્જ કર્યા છે, જે ગ્રીન હાઇડ્રોજન અને વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ કંપની છે.