હિંદુ સમાજનું સંગઠિત સ્વરૂપ દેશની એકતા, એકાત્મતા, વિકાસ અને સુરક્ષાની ગેરંટી છે : શ્રી મોહનજી ભાગવત (સરસંઘચાલક)

હિંદુ સમાજનું સંગઠિત સ્વરૂપ દેશની એકતા, એકાત્મતા, વિકાસ અને સુરક્ષાની ગેરંટી છે : શ્રી મોહનજી ભાગવત (સરસંઘચાલક)
સ્વદેશી તથા સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી.
દેશના ઉત્થાનમાં સૌથી મહત્વપૂર્ણ કારક તે દેશના સમાજની એકતા છે.

સંઘ અને સમાજના કાર્યોમાં પ્રત્યક્ષ સહભાગી થવાની ઈચ્છા સમાજમાં વધી રહી છે.
એકાત્મ દૃષ્ટિના આધાર પર પોતાનો વિકાસ પથ બનાવીને, વિશ્વની સામે એક યશસ્વી ઉદાહરણ રાખવું પડશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનાં સો વર્ષ પૂર્ણ કરનારી આ વિજયાદશમીના નિમિત્તે આપણે અહીં એકઠા થયા છીએ. સંયોગ એ છે કે, આ વર્ષ શ્રી ગુરુ તેગ બહાદુરજી મહારાજના પાવન દેહોત્સર્ગનું ત્રણસો પચાસમું વર્ષ છે. ‘હિંદની ચાદર’ બનીને તેમના તે બલિદાને વિદેશી વિધર્મી અત્યાચારથી હિંદુ સમાજની રક્ષા કરી.
અંગ્રેજી તારીખ અનુસાર આજે સ્વ. મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. આપણી સ્વતંત્રતાના શિલ્પકારોમાં તેઓ અગ્રણી છે. સાદગી, વિનમ્રતા, પ્રામાણિકતા તથા દૃઢતામાં સમૃદ્ધ અને દેશહિતમાં પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરનારા આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ પણ આજે જ છે. ભક્તિ, સમર્પણ અને દેશસેવાના આ ઉચ્ચ આદર્શો આપણા સૌ માટે અનુકરણીય છે. મનુષ્ય વાસ્તવિક દૃષ્ટિએ મનુષ્ય કઈ રીતે બને અને જીવનને જીવે, આ શિક્ષણ આપણને આ મહાપુરુષો પાસેથી મળે છે.
વર્તમાન પરિદૃશ્ય – આશા અને પડકારો
ગત વર્ષ પ્રયાગરાજમાં સંપન્ન મહાકુંભે શ્રદ્ધાળુઓની અખિલ ભારતીય સંખ્યાની સાથે જ ઉત્તમ વ્યવસ્થાપનના પણ બધા કીર્તિમાન તોડીને એક વૈશ્વિક વિક્રમ પ્રસ્થાપિત કર્યો. સમગ્ર ભારતમાં શ્રદ્ધા અને એકતાની પ્રચંડ લહેર જગાડી.
પહેલગામમાં સીમાપારથી આવેલા આતંકવાદીઓના હુમલામાં ૨૬ ભારતીય યાત્રી નાગરિકોની, તેમનો ધર્મ પૂછીને હત્યા કરી દેવાઈ. સંપૂર્ણ ભારતવર્ષમાં નાગરિકોમાં દુ:ખ અને ક્રોધની જ્વાળા ભડકી. આ સમયગાળામાં દેશના નેતૃત્વની દૃઢતા તથા આપણી સેનાનું પરાક્રમ તથા યુદ્ધકૌશલની સાથે-સાથે જ સમાજની દૃઢતા અને એકતાનું સુખદ દૃશ્ય આપણે જોયું. પરંતુ આપણે પોતાની સુરક્ષાના વિષયમાં વધુને વધુ સજાગ રહેવું અને સમર્થ બનતા રહેવું પડશે, આ વાત પણ આપણને સમજાઈ ગઈ.
દેશની અંદર ઉગ્રવાદી નક્સલી આંદોલન પર શાસનની દૃઢ કાર્યવાહીના કારણે મોટા પ્રમાણમાં નિયંત્રણ આવ્યું છે. આર્થિક ક્ષેત્રમાં પણ પ્રચલિત માપદંડોના આધાર પર આપણી અર્થ સ્થિતિ પ્રગતિ કરી રહી છે, એમ કહી શકાય તેમ છે. પરંતુ આ પ્રચલિત અર્થ પ્રણાલીના પ્રયોગથી અમીરી અને ગરીબીનું અંતર વધ્યું છે, આર્થિક સામર્થ્યનું કેન્દ્રીકૃત થવું, પર્યાવરણની હાનિ, મનુષ્યોના આપસી વ્યવહારમાં સંબંધોની જગ્યાએ વ્યાપારિક દૃષ્ટિ અને અમાનવીયતા વધવી, આવા દોષ પણ વિશ્વમાં સર્વત્ર ઉજાગર થયા છે.
અમેરિકાએ પોતાના સ્વયંના હિતને આધાર બનાવીને જે ‘આયાત શુલ્કનીતિ’ ચલાવી તેના કારણે, આપણે પણ કેટલીક વાતોનો પુનર્વિચાર કરવો પડે તેમ છે. વિશ્વ પરસ્પર નિર્ભરતા પર જીવે છે. પરંતુ આપણે આ પરસ્પર નિર્ભરતાને પોતાની મજબૂરી ન બનવા દઈને આપણી સ્વેચ્છાથી જીવીએ, એવું આપણે બનવું પડશે એના માટે સ્વદેશી તથા સ્વાવલંબનનો કોઈ પર્યાય નથી.
જડવાદી ટૂકડામાં જોતી દૃષ્ટિ પર આધારિત વિકાસની સંકલ્પનાને લઈને વિકાસની જે જડવાદી અને ઉપભોગવાદી નીતિ વિશ્વભરમાં પ્રચલિત છે તેના દુષ્પરિણામો બધી બાજુએ ઉત્તરોત્તર વધતા પ્રમાણમાં ઉજાગર થઈ રહ્યાં છે. ભારતમાં પણ વરસાદનું અનિયમિત થવું, ભૂસ્ખલન થવું, હિમનદીઓનું સૂકાવું વગેરે પરિણામો છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં વધુ તીવ્ર થઈ રહ્યાં છે. તેને ભારતવર્ષ અને દક્ષિણ એશિયાના અન્ય દેશો માટે ખતરાની ઘંટડી માનવી જોઈએ.
ગત વર્ષોમાં આપણા પાડોશી દેશોમાં બહુ ઉથલપાથલ મચી છે. જે પ્રકારે જન-આક્રોશનો હિંસક આઘાત થઈને સત્તાનું પરિવર્તન થયું તે આપણા માટે ચિંતાજનક છે. ભારતવર્ષમાં આ પ્રકારના ઉપદ્રવોને ઈચ્છનારી શક્તિઓ સક્રિય છે. આપણા પડોશી દેશ સાંસ્કૃતિક દૃષ્ટિથી ભારત સાથે જોડાયેલા છે. ત્યાં શાંતિ રહે, સ્થિરતા રહે, ઉન્નતિ થાય, સુખ અને સુવિધાની વ્યવસ્થા થાય, તે આપણા માટે આપણા હિતરક્ષણથી પણ વધારે; આપણી સ્વાભાવિક આત્મીયતાજન્ય આવશ્યકતા છે.
વિશ્વમાં સર્વત્ર વિજ્ઞાન અને તકનીકીની પ્રગતિની ગતિ અને મનુષ્યોની એની સાથે તાલમેલ બનાવવાની ગતિ આમાં મોટું અંતર છે. એટલા માટે સામાન્ય મનુષ્યોના જીવનમાં બહુ બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી દેખાઈ રહી છે. તે જ રીતે સર્વત્ર ચાલી રહેલા યુદ્ધો સહિત અન્ય નાના મોટા કલહ, પર્યાવરણના ક્ષરણના કારણે પ્રકૃતિનો ઉગ્ર પ્રકોપ, બધા સમાજોમાં તથા પરિવારોમાં આવેલી તૂટન, નાગરિક જીવનમાં વધતો અનાચાર અને અત્યાચાર એવી સમસ્યાઓ પણ સાથે ચાલતી દેખાઈ રહી છે.
આપણા સૌમાં આશા અને આશ્વાસન વધારનારી વાત આ છે કે, આપણા દેશમાં સર્વત્ર તથા વિશેષ કરીને નવી પેઢીમાં દેશભક્તિની ભાવના અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે આસ્થા તથા વિશ્વાસનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે. સંઘના સ્વયંસેવકોનો આ અનુભવ છે કે, સંઘ અને સમાજના કાર્યોમાં પ્રત્યક્ષ સહભાગી થવાની ઈચ્છા સમાજમાં વધી રહી છે. સમાજના બુદ્ધિજીવીઓમાં પણ પોતાના દેશની જીવન દૃષ્ટિ, પ્રકૃતિ તથા આવશ્યકતાના આધાર પર પોતાનું સ્વતંત્ર અને અલગ પ્રકારનું કોઈ પ્રતિમાન કેવું હોઈ શકે છે તેની શોધનું ચિંતન વધ્યું છે.
ભારતીય ચિંતન દૃષ્ટિ
હજારો વર્ષો સુધી આ વિશ્વમાં આપણે એક સુંદર, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ, પરસ્પર સંબંધોને ઓળખનાર, મનુષ્ય અને સૃષ્ટિ માટે સહયોગી જીવન પ્રસ્થાપિત કર્યું હતું. તે આપણી સમગ્ર તથા એકાત્મ દૃષ્ટિના આધાર પર, આજે વિશ્વ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેનું શાશ્વત નિદાન આપનારી એક નવી રચનાની વિશ્વને આવશ્યકતા છે. પોતાના ઉદાહરણથી તે રચનાનું અનુકરણીય પ્રતિમાન વિશ્વને આપવું, આ કાર્ય નિયતિ આપણા ભારતવાસીઓ પાસેથી ઈચ્છે છે.
સંઘનું ચિંતન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના કાર્યના શતવર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે. સંઘમાં વિચાર અને સંસ્કારોને પ્રાપ્ત કરી સમાજ જીવનના વિવિધ આયામોમાં, વિવિધ સંગઠનોમાં, સંસ્થાઓમાં સ્વયંસેવક સક્રિય છે. તે બધાના સંકલિત અનુભવના આધાર પર સંઘના કેટલાંક નિરીક્ષણ બન્યાં છે, કેટલાક નિષ્કર્ષ બન્યા છે.
૧) ભારતવર્ષના ઉત્થાનની પ્રક્રિયા ગતિ પકડી રહી છે. પરંતુ આપણા સહિત વિશ્વની સામે ઊભેલી સમસ્યાઓ તથા ભવિષ્યના ખતરાઓથી બચવા આપણે પોતાની સમગ્ર અને એકાત્મ દૃષ્ટિના આધાર પર પોતાનો વિકાસ પથ બનાવીને, વિશ્વની સામે એક યશસ્વી ઉદાહરણ રાખવું પડશે.
૨) સંપૂર્ણ દેશનું આવું આદર્શ ચિત્ર વિશ્વની સામે ઊભું કરવાનું કામ ફક્ત દેશની વ્યવસ્થાઓનું જ નથી. આ બધાની પ્રેરણા અને આ બધાનું નિયંત્રણ સમાજની પ્રબળ ઈચ્છાથી જ થાય છે. એટલે વ્યક્તિનિર્માણથી સમાજપરિવર્તન અને સમાજપરિવર્તનથી વ્યવસ્થાપરિવર્તન, આ દેશમાં અને વિશ્વમાં પરિવર્તન લાવવાનો સાચો પથ છે, આ સ્વયંસેવકોનો અનુભવ છે.
૩) આવા વ્યક્તિઓના નિર્માણની વ્યવસ્થા ભિન્ન-ભિન્ન સમાજોમાં સક્રિય રહે છે આની યુગાનુકૂળ વ્યવસ્થા ઘરમાં, શિક્ષણ પદ્ધતિમાં અને સમાજના ક્રિયાકલાપોમાં ફરીથી સ્થાપિત કરવી પડશે. સો વર્ષોથી બધા પ્રકારની પરિસ્થિતિઓમાં આગ્રહપૂર્વક આ વ્યવસ્થાને સંઘના સ્વયંસેવકો દ્વારા સતત ચલાવવામાં આવી છે અને આગળ પણ આમ જ ચલાવવાની છે. એટલે સ્વયંસેવકોને નિત્ય શાખાના કાર્યક્રમોને મન લગાવીને કરતાં કરતાં પોતાની આદતોમાં પરિવર્તન કરવાની સાધના કરવી પડે છે. વ્યક્તિગત સદ્ગુણોની તથા સામૂહિકતાની સાધના કરવી તથા સમાજના ક્રિયાકલાપોમાં સહભાગી, સહયોગી થતા સમાજમાં સદ્ગુણોનું અને સામૂહિકતાનું વાતાવરણ નિર્માણ કરવા માટે જ સંઘની શાખા છે.
૪) કોઈ પણ દેશના ઉત્થાનમાં સૌથી મહત્વપૂર્ણ કારક તે દેશના સમાજની એકતા છે. આપણો દેશ વિવિધતાઓનો દેશ છે. આપણી વિવિધતાઓને આપણે પોતાની પોતાની વિશિષ્ટતાઓ માનીએ છીએ અને
પોતાની વિશિષ્ટતા પર ગૌરવ કરવાનો સ્વભાવ પણ સમજીએ છીએ. પરંતુ આ વિશિષ્ટતાઓ ભેદનું કારણ ન બનવી જોઈએ. નાની-મોટી વાતો પર કાયદો હાથમાં લઈને રસ્તાઓ પર નીકળી આવવું, કોઈ સમુદાય વિશેષને ઉશ્કેરવા માટે પોતાની શક્તિનું પ્રદર્શન કરવું, એવી ઘટનાઓને યોજનાપૂર્વક કરાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓની રોકથામ આવશ્યક છે. શાસન-પ્રશાસન સિવાય સમાજની સજ્જન શક્તિ અને તરુણ પેઢીને પણ સજાગ અને સંગઠિત થવું પડશે, આવશ્યકતા અનુસાર હસ્તક્ષેપ પણ કરવો પડશે.
૫) આપણી આ એકતાના આધારને ડોક્ટર આંબેડકર સાહેબે Inherent cultural unity (અંતર્નિહિત સાંસ્કૃતિક એકતા) કહ્યું છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સમયથી ચાલતી આવેલી ભારતની વિશેષતા છે. આ દેશના પુત્રરૂપ હિંદુ સમાજે તેને પરંપરાથી પોતાના આચરણમાં જતન કર્યું છે, એટલે તેને હિંદુ સંસ્કૃતિ પણ કહે છે. વિવિધતાઓના સંપૂર્ણ સ્વીકાર અને સન્માન સાથે આપણે સૌને એક માળામાં પરોવનારી આ હિંદુ રાષ્ટ્રીયતા જ આપણને સદૈવ એક રાખતી આવી છે.
૬) સંપૂર્ણ હિંદુ સમાજનું બળસંપન્ન, શીલસંપન્ન સંગઠિત સ્વરૂપ આ દેશની એકતા, એકાત્મતા, વિકાસ અને સુરક્ષાની ગેરંટી છે. હિંદુ સમાજ સર્વ-સમાવેશી છે. ભારતવર્ષને વૈભવ સંપન્ન અને સંપૂર્ણ વિશ્વમાં પોતાનું અપેક્ષિત યોગદાન આપનારો દેશ બનાવવો, આ હિંદુ સમાજનું કર્તવ્ય બને છે. તેની સંગઠિત કાર્યશક્તિ દ્વારા ભારતને વૈભવ સંપન્ન બનાવવો, આ સંકલ્પ લઈને સંઘ સંપૂર્ણ હિંદુ સમાજના સંગઠનનું કાર્ય કરી રહ્યો છે.
૭) ઉપર્યુક્ત સમાજનું ચિત્ર પ્રત્યક્ષ સાકાર કરવાનું છે તેથી વ્યક્તિઓમાં, સમૂહોમાં વ્યક્તિગત તથા રાષ્ટ્રીય ચારિત્ર્ય, બંનેના સુદૃઢ થવાની આવશ્યકતા રહેશે. પોતાના રાષ્ટ્ર સ્વરૂપની સ્પષ્ટ કલ્પના અને તેનું ગૌરવ સંઘની શાખામાં પ્રાપ્ત થાય છે. નિત્ય શાખામાં ચાલનારા કાર્યક્રમોથી સ્વયંસેવકોમાં વ્યક્તિત્વ, કર્તૃત્વ, નેતૃત્વ, ભક્તિ અને સમજદારીનો વિકાસ થાય છે. એટલે શતાબ્દી વર્ષમાં વ્યક્તિનિર્માણનું કાર્ય દેશમાં ભૌગોલિક દૃષ્ટિથી સર્વવ્યાપી બને તથા સામાજિક આચરણમાં સહજ પરિવર્તન લાવનારો પંચ પરિવર્તન માટેનો કાર્યક્રમ સ્વયંસેવકોના ઉદાહરણથી સમાજવ્યાપી બને, તેવો સંઘનો પ્રયાસ રહેશે. સામાજિક સમરસતા, કુટુંબપ્રબોધન, પર્યાવરણસંરક્ષણ, ‘સ્વ’બોધ તથા સ્વદેશી આ પાંચ વિષયોમાં વ્યક્તિ અને પરિવાર, કૃતિકાર્યથી પોતાના આચરણમાં પરિવર્તન લાવવામાં સક્રિય હોય તથા સમાજમાં તેમનાં ઉદાહરણોનું અનુસરણ થાય એવો આ કાર્યક્રમ છે.
વિશ્વના ઇતિહાસમાં સમયે-સમયે ભારતનું મહત્વપૂર્ણ અવદાન એ જ રહ્યું છે કે, વિશ્વનું ખોવાયેલું સંતુલન પાછું લાવનારો, વિશ્વના જીવનમાં સંયમ અને મર્યાદાનું ભાન ઉત્પન્ન કરનારો વિશ્વધર્મ આપવો.
આવો, ભારતનું આ જ આત્મસ્વરૂપ આજની દેશ-કાળ-પરિસ્થિતિથી સુસંગત શૈલીમાં ફરીથી વિશ્વમાં ઊભું કરવું છે. પૂર્વજો દ્વારા પ્રદત્ત આ કર્તવ્યને, વિશ્વની આજની આવશ્યકતાને, પૂર્ણ કરવા માટે આપણે સૌ મળીને, સાથે ચાલીને, પોતાના કર્તવ્યપથ પર આગળ વધવા માટે આજની વિજયાદશમીના મુહૂર્ત પર સીમોલ્લંઘનને સંપન્ન કરીએ.
|| ભારત માતા કી જય ||



