સુરતમાં ગાજી ઉઠી સામાજિક ન્યાય યાત્રા: ભેદભાવ સામે આંબેડકરી સમાજનો પ્રખર હૂકાર

સુરતમાં ગાજી ઉઠી સામાજિક ન્યાય યાત્રા: ભેદભાવ સામે આંબેડકરી સમાજનો પ્રખર હૂકાર
સુરત : શહેરમાં રવિવારે સામાજિક સમાનતા અને હકો માટે એક ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું, જ્યારે સ્વાભિમાની આંબેડકરી સમાજ દ્વારા ભવ્ય “સામાજિક ન્યાય યાત્રા” યોજાઈ હતી. સવારના 10 વાગ્યે શરૂ થયેલી આ યાત્રાએ શહેરના માર્ગોને સંઘર્ષના સૂરો સાથે ગુંજાવી દીધા હતાં. યાત્રાની શરૂઆત રિંગ રોડ ખાતે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરથી થઈ હતી અને ડિંડોલી સુધી ભવ્ય રેલીના સ્વરૂપમાં આગળ વધી. રસ્તા પર ઉતરેલા મહિલાઓ, યુવાનો અને વડીલોનો ઉત્સાહ સ્પષ્ટ બતાવી રહ્યો હતો કે હવે ભેદભાવ સામે સહનશીલતા નહીં, પણ પ્રતિસાદનો સમય આવી ગયો છે.
આ યાત્રાનું નેતૃત્વ યુવા નેતા કુણાલ સોનવણેએ કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ લડત કોઈ રાજકીય મંચ માટે નથી, પરંતુ માનવ અધિકારો અને સ્વાભિમાન માટે છે.” તેમણે ઉમેર્યું કે આજના સમયમાં પણ રહેઠાણમાં ભેદભાવ, ‘જય ભીમ’ બોલવા બદલ તિરસ્કાર અને સામાજિક અવરોધો જેવી સમસ્યાઓ હજુ જીવંત છે—જે બંધારણીય મૂલ્યોને સીધી પડકાર આપે છે.યાત્રા દરમિયાન “ભેદભાવ બંધ કરો”, “સમાનતા અમારો અધિકાર છે” જેવા નારાઓ સાથે શહેર ગુંજી ઉઠ્યું. અંતે ડિંડોલી વિસ્તારમાં સભા યોજાઈ, જ્યાં સમાજના આગેવાનો દ્વારા એકતા અને હકો માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવંત રાખતી આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નહોતી—એ એક ચેતવણી હતી કે અન્યાય સામે હવે મૌન નહીં, પણ મક્કમ અવાજ ઊઠશે.



