નેવી ડે નિમિત્તે અમી હેન્ડીક્રાફ્ટસ-સુરત દ્વારા યુદ્ધજહાજ INS-સુરતના અધિકૃત એમ્બ્લેમ( ક્રેસ્ટ) સાથે જરી જરદોશીની કલાત્મક ફોટોફ્રેમ બનાવી કેપ્ટન સંદીપ શોરેને અર્પણ કરાઈ

નેવી ડે નિમિત્તે અમી હેન્ડીક્રાફ્ટસ-સુરત દ્વારા યુદ્ધજહાજ INS-સુરતના અધિકૃત એમ્બ્લેમ( ક્રેસ્ટ) સાથે જરી જરદોશીની કલાત્મક ફોટોફ્રેમ બનાવી કેપ્ટન સંદીપ શોરેને અર્પણ કરાઈ
આઈ.એન.એસ. સુરતના ગૌરવપૂર્ણ એમ્બ્લેમ (ક્રેસ્ટ)ની જરીજરદોશી ફ્રેમ માત્ર એક કળાકૃતિ નથી, પરંતુ નેવી પ્રત્યે આદર અને આભારનું પ્રતિક: દર્શનાબેન જરદોશ
નેવી ડે નિમિત્તે અમી હેન્ડીક્રાફ્ટસ-સુરત દ્વારા યુદ્ધજહાજ આઈ.એન.એસ. સુરતના અધિકૃત એમ્બ્લેમ( ક્રેસ્ટ) સાથે જરી જરદોશીની કલાત્મક ફ્રેમ બનાવી પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે કેપ્ટન સંદીપ શોરેને આ ફોટોફ્રેમ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમી હેન્ડીક્રાફટના ભાવનાબેન દેસાઈ, આશયભાઈ જરદોશ, ભરતભાઈ પટેલ, કિશોરભાઈ જરીવાળા, નેહલભાઈ દેસાઈ, તુષારભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નેવી ડે ગૌરવભર્યા અવસરે આઈ.એન.એસ. સુરતના અધિકૃત એમ્બ્લેમ (ક્રેસ્ટ) સાથેની જરી જરદોશી ફ્રેમ જી.આઈ. ટેગ્ડ પરંપરાગત સોનાથી ચડાવેલી ચાંદીની જરીથી બનાવવામાં આવી છે.
સુરતને લાંબા સમયથી જરી જરદોશી કળાનું કેન્દ્ર માનવામાં આવે છે. જરી એટલે સોનાં-ચાંદીના સૂક્ષ્મ તારાથી વણાટ, જ્યારે જરદોશી એ જ તારાથી કરવામાં આવતી સુંદર કઢાઈ છે. આ બંને કળાઓનું સંયોજન વર્ષોથી વૈભવ અને કલાનું પ્રતિક છે. જે રાજવી વસ્ત્રો, ધાર્મિક ચીજવસ્તુઓ અને સમારંભોમાં શોભતું હતું. સુરતની જરીને જીઓગ્રાફિક ઇન્ડેક્સ (GI) માન્યતા પ્રાપ્ત છે. હાલ સુરત જરી જરદોશીનું હબ છે, જે પરંપરા અને આધુનિકતાને જોડીને હજારો કલાકારોના જીવનને આધાર આપે છે.
શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આઈ.એન.એસ. સુરતના ગૌરવપૂર્ણ એમ્બ્લેમ (ક્રેસ્ટ)ની આ જરીજરદોશી ફ્રેમ માત્ર એક કળાકૃતિ નથી, પરંતુ નેવી પ્રત્યે આદર અને આભારનું પ્રતિક છે. તે ભારતીય નૌકાદળના સાહસ, શિસ્ત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે, સાથે જ સુરતની મહિલા કલાકારોની પ્રાચીન કળાને પણ ઉજાગર કરે છે. અમે આ કૃતિને આપણા સમુદ્રના રક્ષકો, નેવીના સાહસને અર્પણ કરીએ છીએ, જેમના શૌર્યથી આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત થાય છે.



