શિનોર તાલુકાના છાણભોઈ ગામે 27 ડિસેમ્બરે આત્મીય યુવા પર્વનો ત્રિવેણી ઉત્સવ

શિનોર તાલુકાના છાણભોઈ ગામે 27 ડિસેમ્બરે આત્મીય યુવા પર્વનો ત્રિવેણી ઉત્સવ
શિનોર તાલુકાના છાણભોઈ ગામે આત્મીય યુવા પર્વ અંતર્ગત ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, હરિપ્રેમ હિરક દીક્ષા મહોત્સવ તેમજ પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. આ આત્મીય યુવા પર્વ તારીખ 27 ડિસેમ્બર 2025, શનિવારના રોજ યોજાશે.
ભગવાન શ્રી સ્વામિનારાયણની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધરો બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે ઇ.સ. 1965માં મહાદીક્ષા ગ્રહણ કરી હતી, જેના હિરક જયંતિ નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવનું પ્રથમ સોપાન અને પ્રગટ ગુરુહરીના 81મા પ્રાગટ્ય દિનની ભાવસભર ઉજવણી પણ થશે.
કાર્યક્રમ અંતર્ગત મહાપ્રસાદનું આયોજન સાંજે 5:00 થી 7:00 કલાકે તથા મહોત્સવની મહાસભા સાંજે 7:00 થી 10:00 કલાકે યોજાશે. આ આત્મીય પર્વને અનુલક્ષીને ભાવિકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વ્યક્તિમાં વાત્સલ્ય, પરિવારમાં પ્રેમ, સમાજમાં સ્નેહ અને આત્મામાં આત્મીયતા પ્રગટાવવાનો સંદેશ આપતું આ ત્રિવેણી પર્વ યુગ સર્જક મહાત્માઓના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતાનો અર્ઘ્ય સમાન છે. પ્રભુ માન્ય અને પ્રભુ પ્રેરિત જીવન જીવતા યુવાનો તથા ભાવિકોના મહાસંગમ માટે આ એક અનોખો અવસર બની રહેશે.
આ આત્મીય યુવા પર્વમાં પધારવા સાધુ નિર્મળદાસ, સાધુ યજ્ઞવલ્લભદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગવલ્લભદાસ, મહેશભાઈ દયાળભાઈ પટેલ (છાણભોઈ), આત્મીય સમાજ હરિધામ સોખડા તથા સંત મંડળ દ્વારા આત્મીય આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



