સુરત મનપાના વોર્ડ નં.૧૮ (લિંબાયત-પર્વત-કુંભારીયા)ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો વિજય

સુરત મનપાના વોર્ડ નં.૧૮ (લિંબાયત-પર્વત-કુંભારીયા)ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો વિજય
પેટાચૂંટણીમાં ૯૩ બુથ પર ૩૩,૩૩૨ મતદારોએ કર્યું હતું મતદાન
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ (પછાત વર્ગ બેઠક લિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ૯૩ બુથ પર કુલ ૩૩,૩૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુચારૂ રીતે સંપન્ન થઇ હતી. વોર્ડ નં.૧૮ના ચૂંટણી અધિકારી ડી.ડી. શાહની દેખરેખ હેઠળમતગણતરી પાર પડી હતી. વહેલી સવારે ૯.૦૦ વાગ્યે મતગણતરી શરૂ થઈ સાત રાઉન્ડમાં ૧૦:૧૫ના ટકોરે પૂર્ણ થઈ હતી. જેમાં સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડને ૧૭,૩૫૯ મત મળ્યા હતા. બીજા ક્રમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસના ઉમેદવાર સંજય રામાધાર રામાનંદીને ૧૦,૨૭૩ મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરજ વલ્લભભાઈ આહિરને ૧,૯૧૭ મત મળ્યા હતા. જ્યારે ઓલ ઈન્ડિયા મજલીસ-એ- એતીહાદુલ મુસ્લિમીન પક્ષના ઉમેદવાર અબ્દુલરઝાક વજીરશાહ શાહને ૨,૬૧૮ મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર અરવિંદકુમાર વલ્લભભાઈ મિસ્ત્રીને ૪૧૬ મત જ્યારે અપક્ષ ઉમેદવાર એજાજ અબ્દુલરહીમ ગરાણાને ૧૮૫ મત મળ્યા હતા. તેમજ NOTAમાં ૫૬૪ મત નોંધાયા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.