આ. ડૉ. પ્રફુલચંદ્ર રોય પ્રાથમિક કન્યાશાળા ક્ર. 343માં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો

આ. ડૉ. પ્રફુલચંદ્ર રોય પ્રાથમિક કન્યાશાળા ક્ર. 343માં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
562 જેટલાં રજવાડાંઓનાં વિલીનીકરણનું કાર્ય અતિશય કપરું હતું; જે સરદારનાં ત્યાગ, સમર્પણ, અથાક પરિશ્રમ અને કોઠાસૂઝને કારણે શક્ય બન્યું. – રાજેશ ધામેલિયા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દી જયંતીના ઉપક્રમે શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ગુજરાત રાજ્યની 565 જેટલી શાળાઓમાં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તે અંતર્ગત આજે આ. ડૉ. પ્રફુલચંદ્ર રોય પ્રાથમિક કન્યાશાળા ક્ર. 343, કાપોદ્રા ખાતે શાળાના આચાર્ય શ્રી હિંમત પંચાલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સંવર્ધન અભિયાનના દ્વારા ‘સરદાર વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદારનાં કાર્યોથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે માટે ‘સમન્વય જૂથ’ દ્વારા ‘સરદાર વંદના’ પુસ્તિકા તૈયાર કરી, તેની MCQ પરીક્ષા લેવામાં આવે છે. તેમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગુજરાતભરની જે જે શાળાઓમાં ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાય ત્યાં શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના સૌજન્યથી સરદાર સાહેબનાં 11 પુસ્તકોનો સેટ શાળા પરિવારને ભેટ આપવામાં આવે છે, જેનો સ્વીકાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થિનીઓએ કર્યો હતો.
આ પ્રસંગે કલ્પનાબહેન પટેલે શ્રી રાજેશકુમાર ધામેલિયાનું તેમજ શ્રી સંજયભાઈ હિંગુ (સી.આર.સી.સી.)નું વિપુલભાઈ સોસાએ પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થિનીઓ સરદાર વિશે જે જે બાબતો જાણતી હોય તે રજૂ કરવાની તક આપવામાં આવી. ત્યાર બાદ શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “દેશની આઝાદીમાં લાખો દેશપ્રેમીઓનું યોગદાન રહ્યું છે, તે સૌને કોટિ કોટિ વંદન. 15મી ઑગસ્ટ, 1947ના રોજ દેશને આઝાદી મળી; પણ તે સાથે અંગ્રેજોએ રાજાઓને ત્રણ વિકલ્પો આપ્યા : (1) ભારત સંઘમાં જોડાવું, (2) પાકિસ્તાનમાં જોડાવું અને (3) સ્વતંત્ર રહેવું. તેને કારણે દેશ પર નવું સંકટ આવ્યું. આ કપરી પરિસ્થિતિમાં સરદારે અખંડ ભારતના નિર્માણ માટે રાત-દિવસ જોયા વિના ભારે જહેમત ઉઠાવીને દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કર્યું. તેને પરિણામે આજનું ભારત આપણને પ્રાપ્ત થયું છે. હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર વગેરે રાજ્યોનાં વિલીનીકરણનો પ્રશ્ન વિકટ હતો; સરદાર ભારે કુનેહથી તેનું નિરાકરણ લાવ્યા હતા. દેશની એકતા માટે અજોડ કાર્ય કરનાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા
હાલમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેને સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સાચે જ સરદારે દેશની યુનિટી – એકતા અને અખંડિતતા માટે અજોડ કાર્ય કર્યું છે. 562 જેટલાં રજવાડાંઓનાં વિલીનીકરણનું કાર્ય અતિશય કપરું હતું; જે સરદારનાં ત્યાગ, સમર્પણ, અથાક પરિશ્રમ અને કોઠાસૂઝને કારણે શક્ય બન્યું.”
શ્રી સંજયભાઈ હિંગુ (સી.આર.સી.સી.) એ પ્રાસંગિક પ્રેરક વક્તવ્ય આપીને વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વિદ્યાર્થિનીઓને ગમ્મત સાથે સરદારનાં દૃઢ મનોબળ, કાર્યપ્રણાલી, બાળપણના ગુણો વગેરેનો પરિચય થાય તે માટે નાના નાના જીવનપ્રસંગો કહેવામાં આવ્યા. સંવાદમાં સામેલ થયેલ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી. શાળા પરિવાર દ્વારા શ્રી રાજેશકુમાર ધામેલિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.



