BMU: ભગવાન મહાવીર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને મળ્યું 48 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ

સુરત: શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતનામ ભગવાન મહાવીર યુનિવર્સિટીના નર્સિંગ વિભાગની વિદ્યાર્થિનીએ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તાજેતરમાં યોજાયેલ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઉર્વીબેન માર્ગેશકુમાર પટેલ નામની વિદ્યાર્થિનીને અમેરિકાની પ્રીઝમા હેલ્થ ગ્રીર હોસ્પિટલ દ્વારા 48 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી છે.
પ્રીઝમા હેલ્થ ગ્રીર હોસ્પિટલ અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યના ગ્રીર ખાતે આવેલી છે અને આ હોસ્પિટલ અમેરિકાની સૌથી આત્યાધુનિક હોસ્પિટલો માંથી એક છે. ત્યારે આટલી મોટી સંસ્થામાં આટલા મોટા વાર્ષિક પેકેજ સાથે પ્લેસમેન્ટની ઓફર મળતા આ સિદ્ધિ તેણીના પરિવાર સાથે જ યુનિવર્સિટી, તમામ શિક્ષકો અને ખાસ કરીને નર્સિંગ સમુદાય માટે ગૌરવ અપાવનારી છે. આ સફળતા અંગે ઊર્વી નું કહેવું છે કે “મારી દૃષ્ટિએ માનવ સેવા એ જ સૌથી મોટો ધર્મ છે. માતા પિતા ના આશીર્વાદ થકી મળેલી આ સફળતાનો શ્રેય ઉર્વી બીએમયુની કુશળ ફેકલ્ટીને આપી રહી છે. તે કહે છે કે ફેકલ્ટીના માર્ગદર્શન વગર આ સંભવ જ ન હતું.
ઉર્વીએ હાંસલ કરેલી આ ઉપલબ્ધિ નિશ્ચિત જ તેના જેવા અન્ય મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ હશે. સાથે જ આ ઉપલબ્ધિ પ્રતિભા અને ઉત્કૃષ્ટતા ને વેગ આપવામાં ભગવાન મહાવીર યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉર્વી ને મળેલી આ સફળતા બદ્દલ યુનિવર્સિટી મેનેજમેન્ટ, સંપૂર્ણ સ્ટાફ અને સહ વિદ્યાર્થીઓએ તેણીને અભિનંદન પાઠવ્યા હતાં.