કારકિર્દી

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પહેલ અંતર્ગત ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ

‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પહેલ અંતર્ગત ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ

જિલ્લા કલેકટર અને મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ દ્વારા સન્માન

વિદ્યાર્થિનીઓને થિયરીની સાથે વ્યવહારૂ જ્ઞાન અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યેય સિદ્ધિ તરફ આગેકૂચ કરવાની શીખ આપતા જિલ્લા કલેક્ટર

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાઓની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી તેજસ્વી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે દિકરીઓને ભણતરની સાથે વ્યવહારુ જ્ઞાન કેળવવા અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રીએ કહ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં લોકોથી અલગ તરી આવવા માટે માત્ર માર્કસ નહીં, પરંતુ સ્કિલ્સ અને યોગ્ય અભિગમ જરૂરી છે. વિદ્યાર્થિનીઓને ભણતર માટે પ્રોત્સાહન આપતા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ભગીરથસિંહ પરમારે વિકસિત સમાજ માટે શિક્ષિત સ્ત્રીઓનું મહત્વ સમજાવ્યું હતું. દીકરીઓ અને તેમના વાલીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપી સ્ત્રી શિક્ષણથી સ્ત્રી સશક્તિકરણની હિમાયત કરી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી રાધિકા ગામીત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી સી.આર.મોદી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીઓ પી.વી.લકુમ અને ડી.પી.વસાવા, મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button