પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે
શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા
ઝેરયુક્ત શાકભાજીના વાવેતરને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતીથી ઝેરમુક્ત શાકભાજીનું વાવેતર કરીએ
શાકભાજીમાં જીવાત અથવા રોગ આવે તોનીમાસ્ત્ર, બ્રમ્હાસ્ત્ર, અગ્નેયસ્ત્ર, છાસનો ઉપયોગ કરવો
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાકભાજીના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું.
*શાકભાજીની ખેતી કેવી રીતે કરવી? *
આજકાલ આપણે જેવી રીતે ખેત પેદાશ લઈએ છીએ તે સામાન્ય રીતે સાચી નથી, કારણ કે ન તો તેમાં સિંચાઈનું કોઈ નિયંત્રણ હોય છે કે ન તેમની સાથે સહજીવી પાક કે છોડવાઓ લગાવવામાં આવે છે. આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમકે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હદય રોગ, કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેરમુક્ત ખેતી એક માત્ર ઉપાય છે.
ખેતીની તૈયારી:-
જ્યારે આપણે કોઈ પણ છોડને રોપીએ છીએ, તો તેમાં લીલા ખાતરનાં રૂપમાં ઢાઈચા, કઠોળ જેમ કે, ચોળા, મગ, અડદ વગેરેને માટીમાં ભેળવવામાં આવે છે અને સાથે જ ખેતીનું પસયું કરતી વખતે એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપીએ છીએ. જમીન ભરીભરી થયા પછી માટીને હલકી અને બારીક કરવી જેથી માટીમાં સારી રીતે હાર કે ચાસ બનાવી શકાય. અંતિમ વાવણી કરતી વખતે ૪૦૦ કિલો ઘન જીવામૃત નાખીને તિરાડમાં રેડવું અને પછી ઉત્તર-દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા.
બીજ સંસ્કાર:-
શાકભાજીનાં સારા ઉત્પાદન માટે બિયારણને બીજામૃતથી સંસ્કારીત કરવા. બિયારણને સંસ્કારીત કરવાથી બીજમાં સારૂં અંકુરણ આવશે અને સારા પાકનાં રૂપમાં સારૂ ઉત્પાદન મળશે. બિયારણને બીજામૃતમાં ડૂબાડવા, સામાન્ય બિયારણને ૬-૭ કલાક જયારે બીજા વિશેષ બિયારણને ૧૨- ૧૪ કલાક ડૂબાડવા, જેવા કે કારેલાના બીજ, ટીન્ડોરાના બીજને થોડા સમય બાદ કાઢવા. એમને છાયાંમાં સુકાવવા. ત્યાર બાદ બીજની વાવણી કરવી.
કાળજી-સાવચેતી:-
૧) પહેલા વર્ષે રાસાયણીક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી કરીએ ત્યારે એવા શાકભાજી વાવવા કે જે ઓછા રાસાયણિક ખાતરનો પ્રયોગ કરી સારું ઉત્પાદન આપતા રહે. જેમ જેમ જમીન મજબુત થશે, તેમ વધુ રાસાયણિક ખાતરની જરૂરિયાતવાળી શાકભાજીનું પણ ઉત્પાદન લઈ શકશો. આમ પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરીશું. ૨) શાકભાજીનો પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં ઢાઈચા કે દ્વિદળી, કઠોળનો પાક લેવો. ૩) ઉત્તરથી દક્ષિણ દિશામાં હાર કે ચાસ કરવા. ૪) એકદળી શાકભાજી સાથે દ્વિદળી શાકભાજીઓ એક સાથે વાવવી. ૫) યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
રીત:-
• જો બે છોડ વચ્ચે, ૨ ફૂટ નું અંતર રાખતા હો તો ૪ ફુટના અંતર પર, ૨.૫ ફૂટનું અંતર રાખતા હો તો પ ફુટના અંતર પર અને ૩ ફુટનું અંતર રાખતા હો તો ૬ ફુટના અંતર પર ક્યારીઓ રાખવી.
• પહોળા કયારા (બેડ)ની સપાટી પર જીવામૃત છાંટવું. એકર દીઠ ૧૦૦ કિલો દેશી છાણીયા ખાતર સાથે ૨૦-૨૫ કિલો ઘન જીવામૃત ક્યારા (બેડ)માં છાંટી અને કાષ્ટથી આચ્છાદિત કરી દેવું. કયારામાં પાણી અને પાણી સાથે જીવામૃત છોડી દેવું. બે દિવસમાં વાપસા આવી જશે. પછી કયારાનાં બંને ઢાળ પર વેલા વાળા શાકભાજી જેવા કે ટમેટા, કાકડી, તુરિયા, પેઠા, દુધી, કારેલા, તરબૂચ, ટેટી વગેરેના બીજ, બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં વાવી દેવા અને માટીથી ઢાંકી દેવા.
• નાળાઓમાં પાણી અને તેની સાથે જીવામૃતને છોડી દો. બે દિવસમાં ક્યારામાં ભેજ આવી જશે. પછી નાળાના બંને પાળા ઉપર વેલા વાળા શાકભાજી જેવા કે ટામેટા, કાકડી, તુરીયા, પેઠા, કારેલા, દુધી, તરબૂચ, ટેટી એના બીજ બીજામૃત સંસ્કાર કરીને જમીનમાં હલકા એવા છિદ્ર કરીને તેમાં નાખી દેવું અને માટીથી ઢાંકી દેવું.
• આ પાળાઓથી થોડા નીચે બંને બાજુ લોબીયાના બીજ લગાવી અને ગલગોટા રોપી દેવા. પાણી સાથે જીવામૃત આપો. ચાર – પાંચ દિવસમાં કયારામાંથી પાણી કેશાકર્ષણના લીધે ભેજ પહોળા બેડ પર ઉપર સુધી પહોંચી જશે. આચ્છાદન અને જીવામૃત, કેશાકર્ષણ શક્તિને ઝડપથી કામમાં લગાવશે. બીજ નાખ્યાના સાત દિવસ પછી પહોળા બેડની સપાટી પર પાથરેલ આવરણની વચ્ચે લોખંડના સળિયાથી છિદ્ર કરી તથા સળિયાને થોડો હલાવીને બહાર કાઢી લો, ત્યાર બાદ તે છિદ્રમાં રીંગણા, કોબીજ અથવા મરચાંનો રોપ લગાવો અથવા ભીંડો કે ગુવારનાં બીજ એ છિદ્રમાં નાખો. જમીનની અંદરના ભેજના લીધે એ બીજ છિદ્રમાંથી બહાર આપમેળે જ આવી જશે અને વિકસિત થશે. સાત થી દસ દિવસ પછી કયારા દ્વારા પાણી આપો અને એ પાણી સાથે મહિનામાં એક અથવા બે વાર જીવામૃત પણ આપો. મહિનામાં એક બે વાર બધા છોડ પર જીવામૃતનો ૫ થી ૧૦ ટકા સુધી છંટકાવ કરવો. વરસાદની ઋતુમાં સિંચાઈની જરૂરીયાત ન હોય ત્યારે થોડા થોડા જીવામૃત સીધા જમીનની સપાટી પર છોડની પાસે નાખો. જેમ- જેમ નાળામાં લગાવેલ શાકભાજીઓના વેલા વધે તેમ તેમ પહોળા ક્યારા પર પાથરેલ આચ્છાદન ઉપર ચઢાવી દો. ગલગોટા અને લોબીયા સાથે-સાથે વધશે. આવરણ અને જીવામૃત બંનેનાં પ્રભાવથી અળસિયા આપો આપ કાર્યરત થઈ જશે અને એમની મળ/વિષ્ઠાનાં માધ્યમથી બધા પ્રકારના છોડવાઓનો અન્ન ભંડાર ખોલી દેશે.
લોબીયા હવામાંથી જેટલી જરૂર હોય તેટલો નાઈટ્રોજન લેશે અને શાકભાજીઓને આપશે. લોબીયા અને ગલગોટા પર મિત્ર કીટક આવીને વસવાટ કરશે અને નુકશાન પહોચાડનાર કિટકોનું નિયંત્રણ કરશે. લોબિયા અને ગલગોટા તેમની તરફ ઘણી મધમાખીઓ આકર્ષિત કરશે અને તેના લીધે શાકભાજીમાં પરાગનયન થઈ જશે. સાથે-સાથે ગલગોટા અને લોબીયા આપણને પૈસા પણ અપાવશે. ગલગોટા, શાકભાજીના મૂળ પર રહીને તેનો રસ ચૂસતા નેમાટોડનું નિયંત્રણ કરશે. બેડ પર રોપાયેલા ફળ- શાકભાજીનાં છોડ શાકભાજીના વેલાઓને જરૂરી છાયો આપશે, હવાને શોષીને પાંદડાઓની ખોરાક ઉત્પાદન ક્ષમતાને વેગ આપશે. જમીનને ફળદ્રુપ બનાવશે અને આપણને ઉત્પાદન પણ આપશે. શાકભાજીઓના વેલા જ્યારે કાષ્ટ આચ્છાદન પર પથરાશે ત્યારે શાકભાજીનાં ફળો આચ્છાદન ઉપર રહેશે, એને માટી લાગશે નહી અને માટીનાં સંપર્કથી ખરાબ પણ થશે નહિ.
• જો ત્યાં કોઈ જીવાત અથવા રોગ આવે તો નીમાસ્ત્ર, બ્રમ્હાસ્ત્ર, અગ્નેયસ્ત્ર, છાસ, સોઠાસ્ત્રનો ઉપયોગ કરવો. નિંદણને દૂર કરવું. આચ્છાદનને કારણે બેડ પર નિંદણ આવશે નહિ. માત્ર ક્યારા દ્વારા પાણી આપવાનું અને જમીન આવરણથી ઢાંકેલ હોવાથી ૯૦% સિંચાઈના પાણીની બચત થશે. એટલી જ બચત વીજળી અને મજૂરીની થશે.
• અહી જે સહયોગી પાકોના નામ આપેલા છે તે બધા સહજીવી છે અને તેઓ વધવાની સાથે એકબીજાને સહયોગ આપે છે. દશેરા, દિવાળીના પર્વ નિમિતે ગલગોટાનાં ફૂલો વેચવા માટે મળી જશે. સાથે સાથે લોબીયાની લીલી શીંગો તમને શરૂઆતથી જ પૈસા આપવાનું ચાલુ રાખશે. ક્યારાની વચ્ચે લગાવેલ ફળ-શાકભાજીનાં છોડવા અને મુખ્ય શાકભાજીના વેલા તમને અંત સુધી પૈસા આપશે. જો તમે જીવામૃતનો યોગ્ય રીતે ઊપયોગ કરશો તો તમને કોઈ જંતુથી નુકશાન થશે નહિ અને એટલા ફળો આપશે કે તમે તોડી નહિ શકો. એ વાસ્તવિક્તા છે કે તમારી શાકભાજી ઝેરમુક્ત અને સંપૂર્ણ પોષણથી ભરેલી હશે. દવા અને અમૃત હશે. યાર્ડમાં તમે એક બેનર લગાવો “બીનઝેરી કુદરતી શાકભાજી ખાઓ અને કેન્સર જેવા રોગોથી મુક્તિ પામો”. આનાથી તમને ડબલ ભાવ મળશે.
જીવામૃતનો ઉપયોગ:-
૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો.
૨) મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક ચાલુ રહે.
૩) શાકભાજીના એક પાકમાં લગભગ ૬ વાર પાણીની સાથે જીવામૃત આપવાની જરૂર પડે છે. પરંતુ પાક પીળો પડે ત્યારે ૧૦% ગૌમૂત્રનો છંટકાવ કરવો. જીવામૃતનો છંટકાવનાં રૂપમાં પ્રયોગ – એક એકર જમીનમાં
પ્રથમ છંટકાવ:- વાવેતરનાં એક મહિના પછી પ લીટર જીવામૃતને ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. બીજો છંટકાવ:- પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લીટર જીવામૃતને ૧૨૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. ત્રીજો છંટકાવ:- બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.ચોથો છંટકાવ:-ત્રીજા છંટકાવનાં ૨૧ દિવસ પછી ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. પાંચમો છંટકાવ :-ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો. છઠ્ઠો છંટકાવ:- પાંચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
ક્રીટ અને રોગ:-
જ્યારે પણ આપણા શાકભાજી પર કોઈ પણ જંતુ લાગી જાય ત્યારે આપણે નીચે મુજબની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. (ક) ચુસીયા પ્રકાની જીવાતઃ ચુસિયા પ્રકારની જીવાત માટે નિમ્બાસ્ત્રનો ઉપયોગ કરો.(ખ) લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. ૧૫૦૦ પીપીએમ લીમડાનાં તેલની માત્રા ૨ મિલીલીટર દીઠ પાણી સાથે મિશ્રિત કરી છંટકાવ કરવો. (ગ) કૃમિ (સુંડી) : ૩ લીટર બ્રમ્હાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો. (ઘ) થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે: ૩ લીટર અગ્ન્યાસ્ત્ર ૧૦૦ લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. (ચ) ફૂગના રોગ: ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતી રોગોના નિવારણ માટે ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ ૩ થી ૪ દિવસ જૂની હોવી જોઈએ.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.