ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી. કમોસમી વરસાદના પાણી વિવિધ ગામોના ખેતરોમાં ફરી વળ્યાં છે, આ પાણી ઓસર્યા બાદ તેમાં નુકસાનીના સર્વે માટે ખેડૂતોએ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી.
ઓલપાડ તાલુકામાં રસ્તા પર સૂકવવા માટે મુકેલા ડાંગરના પાકમાં ખેડૂતોને થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની સૂચના પણ મંત્રીશ્રીએ આપી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં કમોસમી વરસાદને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર શાકભાજી સહિતના પાકોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરુ કરી દેવાયો છે. ખેડૂતોની મુશ્કેલીઓ અને રજુઆતોને પણ ધ્યાને લેવામાં આવી છે. આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
આ અંગે સ્થળ પર વધુ વિગતો આપતા સુરતના નાયબ ખેતી નિયામકશ્રી એન.જી.ગામીતે જિલ્લા ખેતીવાડી, સુરત જિલ્લા પંચાયતના રીપોર્ટ મુજબ જણાવ્યું હતું કે, સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૫૫૦ અસરગ્રસ્ત ગામો માટે ૩૫૦ પ્રાઈવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. અને ૫૩ ગામોમાં સર્વે પૂર્ણ થયો છે. સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ અને ઓલપાડ, પલસાણા, સુરત સીટી અને ઉમરપાડા સહિતના તાલુકાઓ પૈકી અસરગ્રસ્ત વિસ્તાર ૧૯,૯૪૭ હેક્ટરમાં સૌથી વધુ ડાંગર ત્યારબાદ મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે.



