સંઘવી પરિવાર દ્વારા ૬૦૦ મહિલાઓને સાડી અને ૧૦૦ પુરૂષ સફાઈકર્મીઓને પેન્ટ શર્ટના કાપડનું વિતરણ
સંઘવી પરિવાર દ્વારા ૬૦૦ મહિલાઓને સાડી અને ૧૦૦ પુરૂષ સફાઈકર્મીઓને પેન્ટ શર્ટના કાપડનું વિતરણ
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના ધર્મપત્ની શ્રીમતી પ્રાચી સંઘવીના જન્મદિન અને દિવાળીની ભેટરૂપે સિવિલ હોસ્પિટલના ૭૦૦ સફાઈકર્મીઓને કપડાંનું વિતરણ
સંઘવી પરિવારે સિવિલ કેમ્પસ અને વિવિધ વોર્ડને સ્વચ્છ સુઘડ રાખતા સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવી
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના ધર્મપત્ની શ્રીમતી પ્રાચી સંઘવીના જન્મદિન તેમજ દિવાળીની ભેટરૂપે સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રીના માતા દેવીબેન, પત્ની પ્રાચીબેન અને બહેન હેનીબેનના હસ્તે ૬૦૦ મહિલાઓને સાડી અને ૧૦૦ પુરૂષ સફાઈકર્મીઓને પેન્ટ શર્ટના કાપડનું વિતરણ કરાયું હતું. સફાઈકર્મીઓ અસહ્ય તડકો, ઠંડી કે ભારે વરસાદ જેવી કોઈ પણ પ્રતિકુળ સમયમાં સફાઈકામગીરીને કર્તવ્યનિષ્ઠાથી નિભાવે છે, ત્યારે સંઘવી પરિવારે સિવિલ કેમ્પસ અને વિવિધ વોર્ડને સ્વચ્છ સુઘડ રાખતા સફાઈકર્મીઓની કામગીરીને બિરદાવી હતી. સફાઈ કામદારોએ પ્રાચીબેન પર આશીર્વાદ વરસાવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ સંઘવી પરિવારજનો વર્ષોથી પોતાના જન્મદિનની ઉજવણી, દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો સેવાની ભાવના સાથે સિવિલના દર્દીઓ, મહિલા દર્દીઓ, પ્રસૂતા માતાઓને પોષક આહાર, કપડા, ફળો, જરૂરી મેડિકલ કીટ્સ અને ચીજવસ્તુઓ, નાના બાળકોને બેબી કીટ, રમકડા, હિમોફેલીયાના દર્દીઓને ન્યુટ્રીશન કીટની ભેટ આપીને કરે છે.
મજુરા વિસ્તારના જનપ્રતિનિધિ હોવા સાથે સેવાની દ્રઢ ભાવના ધરાવતા ગૃહમંત્રીશ્રી દ્વારા નવી સિવિલમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનેક આરોગ્ય સુવિધાઓ વધારતા સંસાધનોની ભેટ આપવામાં આવી છે. કોરોનાકાળમાં લોકો કોરોના સંક્રમણ ડરથી પોતાના પરિવારજનોથી પણ દૂર ભાગતા હતા, ત્યારે શ્રી હર્ષ સંઘવીએ રાતદિન સિવિલમાં સેવારત રહ્યા, હજારો કોવિડ દર્દીઓને બેઠા કરનારા તબીબી અને નર્સિંગ સ્ટાફ માટે ભોજન, નાસ્તો, ફળો ભોજન, ડ્રાયફ્રુટ, મિનરલ વોટર પૂરૂ પાડવામાં અને તેમનું મોરલ જાળવવામાં ‘ન ભૂતો ન ભવિષ્યતી’ સમાન ઉત્તમ યોગદાન આપ્યું. ધર્મપત્ની શ્રીમતી પ્રાચી સંઘવી અને બહેને પણ સેવાની આ પરંપરાને જાળવી રાખી છે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઇકબાલ કડીવાલા,નર્સિંગ અસો.ના અગ્રણીઓ વિભોર ચુગ, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, સંજય પરમાર, બિપીન મેકવાન સહિત એસો.ના હોદ્દેદારો, સિવિલનો આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.