પ્રાદેશિક સમાચાર

કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧)નું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧)નું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિ
મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ નહીં: મહિલાઓ પર ગુનાઓ આચરતા ક્રિમિનલ્સને સજા કરવામાં કસર નહીં રાખીએ: ગૃહ રાજ્યમંત્રી
કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે મહિલા પોલીસ સ્ટેશન (સેકટર-૧) લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં પોલીસ સ્ટેશનો, પોલીસ અધિકારીઓ મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા આ તકે વિશે ઉપસ્થિત રહ્યા હતા.
અદ્યતન અને સુવિધા સુસજ્જ “કતારગામ મહિલા પોલીસ સ્ટેશન”થી પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે શહેરની દીકરી-બહેનોને વધુ ઝડપી પોલીસ સેવા સુલભ થશે. મહિલાઓ માટે આ પોલીસ સ્ટેશન સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સહારો બનશે. જે મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય માટે નવો માઇલસ્ટોન સાબિત થશે.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, લોકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ તંત્રની આધુનિક સમય સાથે કાર્યપદ્ધતિ અને કાર્ય સ્થળનો વિકાસ કરવાના રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પની આ મહિલા પોલીસ સ્ટેશન પ્રતીતિ કરાવે છે.
રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપનામાં ગૃહવિભાગની પાયાની કામગીરી છે, ત્યારે પોલીસ તંત્રને આધુનિક ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રાખી હંમેશા નાગરિકોની સુરક્ષા માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં, મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ કર્યા વિના મહિલાઓ પર ગુનાઓ આચરતા ક્રિમિનલ્સને જેર કરવામાં કોઈ કસર રહેવી ન જોઈએ એવી પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશ દલાલ, ધારાસભ્યશ્રી કાંતિ બલર, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંઘ ગહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર વબાંગ ઝમીર, અધિક પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોર, જોઈન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) રાઘવેન્દ્ર વત્સ, સ્પેશ્યલ બ્રાન્ચના ડી.સી.પી. હેતલ પટેલ, ડી.સી.પી. વિજયસિંહ ગુર્જર, ક્રાઈમ ડી.સી.પી. શ્રી બી.પી.રોજીયા, કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ અને મહિલાઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button