કૃષિ

પીપલોદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પીપલોદ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ અને મિલેટ (શ્રીઅન્ન) આધારિત વાનગીઓ માટે કુલ ૮૪ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

આઇ.સી.ડી.એસ. વિભાગ, સુરત દ્વારા પીપલોદ સ્થિત SVNIT અતિથિગૃહ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે ૪૨ ટીમો અને મિલેટ (શ્રીઅન્ન) આધારિત વાનગીઓ માટે ૪૨ ટીમો મળી કુલ ૮૪ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર ટીમોને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉપરાંત, વર્ષ ૨૦૨૧-૨૨માં શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ આંગણવાડી કાર્યકર્તા બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ICDSના જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી રાધિકાબેન ગામીતે જણાવ્યું કે, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથોસાથ આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે. ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટસ (શ્રી અન્ન) અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જાગૃતિને શૈક્ષણિક માધ્યમ થકી છેવાડાના લોકો સુધી વ્યાપક રીતે પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ટી.એચ.આર., મિલેટ અને સરગવાના પોષણ મૂલ્યો અંગેની માહિતીને વિસ્તૃત પ્રમાણમાં ફેલાવી લોકોમાં આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી અને ઉપયોગને પોષણ ઉત્સવના માધ્યમથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકો પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃત્તિમાં વધારો થવા સાથે આરોગ્યવર્ધક જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી રહી છે.
આ પ્રસંગે જિ.પંચાયતના ઉપપ્રમુખ અશોક રાઠોડ, જિ.પં.સભ્ય નિલેશ તડવી, તમામ ઘટકોના CDPઓ, આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત ICDS અધિકારી-કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.
-૦૦૦-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button