આદિજાતિ બાંધવોના વિકાસને લક્ષ્યમાં રાખીને “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવશેઃ *વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
પાંચ દિવસ ચાલનારી યાત્રા ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાં વસતા આદિવાસી બાંધવોને સાંકળી લેવામાં આવશેઃ
સુરતઃબુધવારઃ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે તા.૧૮-૧-૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી ઉમરગામથી અંબાજી આદિવાસી ક્ષેત્રને આવરી લેતી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવશે. આ અવસરે સાંસદશ્રી સી.આર.પાટીલ સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે સુરત સરકીટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસ થાય તે માટે પુર્ણ પ્રસાસ કરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કરોડોના વિકાસ કાર્યા કર્યા હતા. તાજેતરમાં આદિમજુથોના કલ્યાણ માટે પી.એમ.જનમન યોજના હેઠળ ૧૧ જેટલા લાભો મળી રહે તે માટે કાર્ય કર્યું છે.
રાજયના વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવોને સ્પર્શતી પ દિવસની “વન સેતુ ચેતના યાત્રા”ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને સાંકળી લેવામાં આવશે.
આ યાત્રા અંદાજિત ૧૦૦૦ કી.મીનું અંતર કાપી તા.૨૨મી જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. વધુમાં તેમણે કહ્યું કે, આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં ૧ સ્ટેજ પ્રોગ્રામ અને ૩ સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.