પ્રાદેશિક સમાચાર

સુરત જિલ્લામાં ચાર દિવસની ઝુંબેશ હાથ ધરી ૪૦ હજાર આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા

સુરત જિલ્લામાં ચાર દિવસની ઝુંબેશ હાથ ધરી ૪૦ હજાર આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા

વયોવૃધ્ધ નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતેથી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અનુરોધ

૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી
સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય કવચ સમાન રૂ. ૧૦ લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની સરકારની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.
આ યોજના થકી ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૯/૧૦/૨૦૨૪ના રોજ ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો નિર્ણયો કર્યો છે જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ કેટેગરીનું નામ વય વંદના રાખવામાં આવ્યું છે. વય વંદના કેટેગરી અંતર્ગત ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધારકાર્ડ વેરિફિકેશન કરાવી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. આ માટે આયુષ્યમાન એપ, beneficiary.nha.gov.in વેબસાઈટ દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. હાલમાં સુરત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સબ સેન્ટરો પરથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.
સુરત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આયોજનથકી સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ઝુંબેશના ભાગરૂપે તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૫/૧૧/૨૦૨૪ દરમિયાન સુરત જિલ્લાના વય વંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના લક્ષ્યાંકની સામે કુલ ૪૦,૦૦૦ થી વધુ વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વૃદ્ધ નાગરિકોને ઘરે ઘરે જઈને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામ પંચાયતના સહકારથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે. આ અંગે રોજેરોજ કામગીરીની સમીક્ષા સરકારના નિયમોનુસાર કરવામાં આવી રહી છે. વધુમાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ચોર્યાસી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવાલીના મલગામા ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડની થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી ૭૦ વર્ષથી વધુના નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી આ વય વંદના યોજનાનો લાભ વધુમાં વધુ કઢાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button