સંવેદનાથી સેવા સુધીઃ સ્વામિનારાયણ ગોકુલધામનું દિવ્યાંગજનકલ્યાણ ક્ષેત્રે અનોખુ યોગદાન

સંવેદનાથી સેવા સુધીઃ સ્વામિનારાયણ ગોકુલધામનું દિવ્યાંગજનકલ્યાણ ક્ષેત્રે અનોખુ યોગદાન
સુરત શહેર-જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કેમ્પનું આયોજન કરી ૩૯૩ દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ અંગોનું વિતરણ
“સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચિત શિક્ષાપત્રી લેખનને ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષ્યમાં શહેર-જિલ્લાના દિવ્યાંગો માટે નિઃશુલ્ક હાઈ-ટેક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પો યોજાયા હતા.
આ સેવાયજ્ઞનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ-બહેનોને આધુનિક ટેકનોલોજીયુક્ત કૃત્રિમ અંગો ઉપલબ્ધ કરાવી જીવન જીવવા માટે નવી આશા, આત્મવિશ્વાસ અને સહારો પૂરો પાડવાનો છે. તા.૨૨ થી ૨૭ જુલાઈના એક સપ્તાહ દરમિયાન સુરત જિલ્લાના બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, માંડવી અને સુરત સિટીમાં કેમ્પ યોજાયા હતા.
આ તમામ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે રવિવારના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય સંતો અને સમાજના અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મિશન- સુરત ખાતે આશીર્વાદ સભા યોજાઈ હતી.
આ કેમ્પનું આયોજન ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા પ.પુ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને પ.પુ. હરિકેશવદાસજી સ્વામી તથા દાતાશ્રીઓના સહયોગથી ALIMCO જેવી વિશ્વવિખ્યાત કંપનીના હાઈ-ટેક પ્રોસ્થેટિક લીમ્સ અને નિષ્ણાતોની ટીમ દ્વારા કરાયું હતું. આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા વડતાલધામના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, સદગુરૂ સ્વામી નીલકંઠચરણદાસજી, કલાકુંજ તથા કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી અને સદગુરૂ ધર્મવલ્લભ સ્વામી-વેડરોડ ગુરુકુળ વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. સાથે તા.૨૭મી જુલાઈ રવિવારના રોજ દિવ્યાંગ આશીર્વાદ સભા યોજાઈ હતી. જેમાં પ.પૂ.ધ.ધૂ 1008 વડતાલ દેશના આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રી ઓનલાઈન ઉપસ્થિતિ, વંદનીય સંતો, સરકારી વહીવટી તંત્ર, રાજકીય મહાનુભાવો અને સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંદીપ દેસાઈ, જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી અને પો.કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, જિજ્ઞેશ પાટિલ, કેશુભાઈ ગોટી વિશેષ હાજર રહ્યા હતા. શિક્ષાપત્રીના સંદેશ સર્વજીવ હિતને ધ્યાનમાં રાખીને આ સેવાયજ્ઞને પ્રત્યેક દિવ્યાંગજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.