આદિવાસી લોકોની લોક સંસ્કૃતિ ઉજાગર કરતો ઐતિહાસિક ડાંગ દરબારનો મેળો

આદિવાસી લોકોની લોક સંસ્કૃતિ ઉજાગર કરતો ઐતિહાસિક ડાંગ દરબારનો મેળો
તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન આહવા ખાતે યોજાશે ડાંગ દરબાર – જંગલોમાં, પર્વતો ની વચ્ચે કુદરત ના ખોળે વસેલાં આદિવાસીઓની જીવન શૈલી અને રીત રિવાજો અનોખા હોય છે. આદિવાસીઓના મેળાઓ પણ અદભુત અને અનોખા હોય છે. ગુજરાતમાં ગણી-ગાંઠી જગ્યાએ એવા મેળાઓ ભરાય છે. જેમાં ડાંગ-દરબારનું સ્થાન અગ્રેસર કહી શકાય. ડાંગ જિલ્લામાં હોળી પર્વનું મોટું માહાત્મ્ય છે. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે. સને ૧૯૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રજાઓ અને નાયકો કરતાં. એજ વર્ષમાં ડાંગ ના જંગલ ના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા. ભીલ રજાઓ અને નાયકોને પટ્ટાના હક્ક બદલ અને પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો તેમના ભાઈબંધો, પોલીસ, પટેલો અને કારભારીઓને ડાંગ-દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી. દરબાર યોજવા પાછળનો બ્રિટિશરોનો મુખ્ય આશય ડાંગી રાજાઓ, નાયકો તથા લોકો એક જ જગ્યાએ એકત્ર થાય તે માટેનો હતો. આહવાની આજુબાજુના લાખો આદિવાસીઓ પાંચ દિવસ ચાલતા ડાંગ દરબાર પાસે એકઠા થતાં હતા અને દરબાર તેમની ફરિયાદો સાંભળીને તેનો નિકાલ કરતાં હતા. વર્તમાનમાં પણ આ ક્રમ ચાલુ છે. પરંતુ આજે ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર પણ ફરિયાદોનું નિવારણ તો જિલ્લા કલેક્ટર જ કરે છે. ડાંગ દરબારમાં ડાંગી રાજાઓ, નાયકો તેમજ તેમના ભાઈબંધો રંગબેરંગી પોષાકમાં સુસજ્જ થઈને આવે છે અને સમગ્ર ડાંગી પ્રજા આદિવાસી સંસ્કૃતિને સુરાવલીઓના મધુર અને કર્ણ પ્રિય સંગીતમાં ઢાળીને દરબારને ઉલ્લાસમય વાતાવરણમાં પરિવર્તીત કરે છે. અહીના આદિવાસીઓ તેમની વિશિષ્ટતા અનુસાર બનાવેલી વસ્તુઓને નાશિક, સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવેલા પ્રવાસીઓ ખરીદે છે. વિવિધ જૂથો પોતાની નૃત્ય કળા, વાદ્ય અને સંગીત કળાનું નિદર્શન કરે છે. આ મેળાની શરૂઆત રાજવીશ્રીઓ ની હાજરીમાં ઢોલ નગારાથી શરૂ કરવામાં આવે છે પછી કહાળીયા અને પાવરી જેવા વાધ્યોના શૂરોથી વાતાવરણ મધુર બની જાય છે. ડાંગ દરબારમાં દેશવિદેશના સહેલાણીઓ આદિવાસી સંસ્કૃતિ માણવા આવે છે. ઉત્સવ પ્રિય ડાંગી આદિવાસી પ્રજા માટે મહત્વનો ઉત્સવ એટલે ડાંગ દરબાર છે. ઐતિહાસિક ડાંગ દરબાર ના આયોજન સંદર્ભે ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. આગામી તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન ડાંગ દરબાર મેળો જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પરંપરાગત રીતે યોજવામાં આવનાર છે. તેમજ મેળાનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલશ્રીના વરદ હસ્તે કરવામાં આવેશે. અને માન.રાજ્યપાલશ્રી દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામાં પણ કરવામાં આવશે.