નવી સિવિલમાં ગણેશ ઉત્સવની આસ્થાસભર ઉજવણી: છેલ્લા ૩૧ વર્ષથી અવિરતપણે નવી સિવિલ હોસ્પિટલમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ
નવી સિવિલમાં ગણેશ ઉત્સવની આસ્થાસભર ઉજવણી: છેલ્લા ૩૧ વર્ષથી અવિરતપણે નવી સિવિલ હોસ્પિટલમાં ઉજવાય છે ગણેશ ઉત્સવ
વિવિધ વોર્ડ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, બાળ રોગ- હાડકા વિભાગ, ઓપરેશન થિયેટર, એક્સ રે વિભાગમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન
સિવિલમાં ગણેશજીની પૂજા અર્ચનામાં તમામ ધર્મના લોકો જોડાય છે
સુરત:શનિવાર: છેલ્લા ૩૧ વર્ષથી અવિરતપણે નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશોત્સવની આસ્થાસભર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સિવિલ કેમ્પસમાં વિવિધ વોર્ડ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, બાળ રોગ- હાડકા વિભાગ, ઓપરેશન થિયેટર, એક્સ રે વિભાગમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી ધાર્મિક સદ્દભાવ અને ભાઈચારાના માહોલ વચ્ચે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
નર્સિંગ કાઉન્સિલના શ્રી ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સિવિલમાં ગણેશજીની પૂજા અર્ચનામાં તમામ ધર્મના લોકો જોડાય છે. સિવિલમાં દાખલ પથારીવશ દર્દીઓના ઝડપભેર સ્વસ્થ થવાની કામના કરવામાં આવે છે. સિવિલ સ્ટાફ, તબીબો દર્દીઓના સ્નેહીજનો સવારસાંજ આરતીનો લાભ તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનો ધર્મલાભ મેળવે છે. સિવિલમાં જ ઈકોફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશ વિસર્જન કરાય છે. દિવાળી, હોળી, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા વારતહેવારોએ સામાજિક અને પારિવારિક સદ્દભાવનાના સંદેશ સાથે તેની ઉત્સાહથી ઉજવણી, હોમ હવન સહ પૂજા અર્ચના કરવામાં આવે છે. સિવિલના સ્ટાફ, દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ધાર્મિક ભાવના વધે અને એકતા- સામાજિક સૌહાર્દનો સંદેશ પ્રસરે એ સમગ્ર આયોજન માટેનો અમારો મુખ્ય હેતુ છે. હાડકા વિભાગના વડા ડો.હરિ મેનન છેલ્લા ત્રણ વર્ષથી ઓર્થો. વોર્ડમાં ગણપતિ સ્થાપન કરાવે છે.
આ પ્રસંગે ડો.ધારિત્રી પરમાર, ટી બી વિભાગના વડા અને ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, હાડકા વિભાગના વડા ડો.હરી મેનન, ડો સ્વપ્નિલ નાગલે આર.એમ.ઓ. ડો.લક્ષ્મણ ટહેલાની, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.વાસંતીબેન નાયર, નર્સિંગ કાઉન્સિલના શ્રી ઇકબાલ કડીવાલા, ડો.ભરત પટેલ,વોર્ડના ઇન્ચાર્જ ગણપતભાઈ પટેલ અને તેમની ટીમ, હાડકા વિભાગના પ્રોફેસરો, રેસિડેન્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો મહાઆરતીમાં જોડાયા હતા.