વાંસવા અને સેલુટ ગામે સીવણ યુનિટનું ઉદ્ઘાટન

વાંસવા અને સેલુટ ગામે સીવણ યુનિટનું ઉદ્ઘાટન
ચોર્યાસી-ઓલપાડ તાલુકાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં અદાણી ફાઉન્ડેશનની પહેલ
હજીરા, સુરત : જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની મહિલો માટે સખી મંડળ અને ગ્રામ પંચાયતના સહયોગથી સીવણ યુનિટની શરૂઆત કરી છે. ચોર્યાસી તાલુકાના વાંસવા અને ઓલપાડ તાલુકાના સેલુટ ગામે આ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓને પ્રથમ સિલાઈની તાલીમ આપ્યા બાદ સિલાઈ કાર્ય માટે જરૂરી સારી ગુણવત્તાવાળા સિલાઈ મશીન મહાનુભાવોની હાજરીમાં અર્પણ કરાયા હતા. આ સિલાઈ મશીન આ ગ્રામીણ મહિલાઓને રોજગાર અને સ્વનિર્ભરતાની નવી તક આપશે.
સિલાઈ યુનિટની અદાણી ફાઉન્ડેશનની આ પહેલથી ગ્રામજનોના જીવનમાં નવી આશાઓ જાગી છે. આ પહેલ ફક્ત સ્વ-સહાય જૂથ (SHG) ની મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે. સીલાઈ યુનિટ આધુનિક મશીનોથી સજ્જ છે જે ફોલ, ઇન્ટરલોક સ્ટીચિંગ, બેગ બનાવવા, ભરતકામ ડિઝાઇનિંગ સાથે શણ, જીન્સ અને ચામડાની સામગ્રીની સિલાઈ કરી શકે છે. અદાણી ફાઉન્ડેશન માને છે કે જ્યાં સુધી તાલીમ પામેલી મહિલાઓની નિયમિત આવક સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી કોઈપણ રોજગાર તાલીમ સફળ ગણી શકાય નહીં. તેથી, તાલીમ પામેલી મહિલાઓને વાજબી ભાવે ઉત્પાદનો વેચવા અને તેમને બજારમાં જોડવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિબેન પટેલ જણાવ્યું હતું કે આ યુનિટ થકી અમારી મહિલાઓ માટે સ્થાનિક રોજગારીની તક ઊભી થઈ રહી છે. અદાણી ફાઉન્ડેશનનો સહયોગ બહુ ઉપયોગી છે, એમની મદદથી હજીરા વિસ્તારમાં મહિલા વિકાસ થાય એ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે. જીલ્લા પંચાયત, સુરતના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડએ જણાવ્યું કે આ સિલાઈ યુનિટ મહિલાઓને ઘરઆંગણે મહેનત કરીને આત્મનિર્ભર બનાવશે. જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે વિકાસની આ મહત્વની તક છે. વાંસવાના સરપંચ કૈલાશબેન રાઠોડએ વાંસવામાં સિલાઈ યુનિટ શરૂ કરવા ખૂબ મહેનત કરી છે. સેલુટના સરપંચ બિનલબેન પટેલ અને ઉપસરપંચ પરેશભાઈ પટેલ ગામના મહિલા સ્વસહાય જૂથ માટે શરૂ થયેલા સિલાઈ યુનિટને પ્રગતિ માટેની મહત્વની શક્યતા તરીકે વર્ણવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના પ્રતિનિધિ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.