આરોગ્ય

ડાયાબિટીસને પેઢીગત કટોકટી બનતા અટકાવવા માટે ભારતે હમણાં જ પગલાં લેવાની જરૂર: વર્લ્ડ ડાયાબિટીસ ડે પર વોકહાર્ટ હોસ્પિટલ્સના નિષ્ણાતોનું અવલોકન

રાજકોટ, 14 નવેમ્બર 2025: વર્લ્ડ ડાયાબિટીસ ડે પર વોકહાર્ટ હોસ્પિટલ્સનાં સિનીયર તબીબી નિષ્ણાતો ડૉ. ચિરાગ માત્રાવડિયા, સિનીયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ, ડૉ. ભૂમિ દવે, સિનીયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ અને ડૉ. દિલીપ વ્યાસ, સિનીયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન; દેશમાં ઝડપથી વધતાં ડાયાબિટીસના કેસો અને તેની ઊંડાણથી અસર કરતી પરિસ્થિતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. તેઓ જણાવે છે કે જે રોગ એક સમય પહેલા માધ્યમ વય અને વૃદ્ધોને અસર કરતો હતો, તે હવે વીસ અને ત્રીસ વર્ષના યુવાનોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં બેઠાડૂં જીવન, અતિશય કેલરીયુક્ત આહાર, તણાવ, અનિયમિત ઊંઘ અને વારસાગત જોખમ મુખ્ય કારણો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં ભારત આજે વિશ્વના “ડાયાબિટીસનું મુખ્ય મથક” તરીકે ઓળખાય છે, અને જો જીવનશૈલી અને તબીબી ક્ષેત્રે મજબૂત પગલા તરત ન લેવાય તો આવતા દાયકામાં તેનો બોજ વધુ વિકરાળ બની શકે છે.

નિષ્ણાતો જણાવે છે કે ડાયાબિટીસ માત્ર બ્લડ શુગર વધવાનો રોગ નથી, તે ધીમે ધીમે હૃદય, કિડની, નસો, આંખો અને રક્તવાહિનીઓને અસર કરે છે અને શરૂઆતમાં ખાસ લક્ષણો ન દેખાતા ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી. થાક લાગવો, તરસ વધી જવું, વારંવાર મૂત્ર જવું કે વજનમાં અસ્પષ્ટ ફેરફાર આવા સંકેતોને લોકો રોજિંદા તણાવનો ભાગ માની લે છે, જેના કારણે વર્ષો સુધી રોગ ઓળખાતો નથી અને અંતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, સ્ટ્રોક, ન રુજાતા ઘા અને દ્રષ્ટિ ગુમાવાના કેસ વધી રહ્યા છે. તેઓ જણાવે છે કે 30 વર્ષથી ઉપરના દરેક વયસ્કે ખાસ કરીને જેઓના પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ છે તેમણે નિયમિત બ્લડ શુગર અને HbA1c ટેસ્ટ કરાવવા અત્યંત જરૂરી બની ગયું છે.

નિવારણ વિશે વાત કરતાં, ત્રણે નિષ્ણાતો ભાર મૂકે છે કે જીવનશૈલીમાં થોડા સરળ પરિવર્તનો દ્વારા ડાયાબિટીસને લાંબા સમય સુધી ટાળવી અથવા સફળતાપૂર્વક નિયંત્રિત કરવું શક્ય છે. સંતુલિત આહાર, ઓછું મીઠું અને ખાંડ, રોજિંદું શારીરિક કાર્ય, પૂરતું પાણી પીવું, નિયમિત ઊંઘ અને તણાવ નિયંત્રણ આ બધું લાંબા ગાળાના આરોગ્ય માટે આધારસ્તંભ છે.
ડાયાબિટીસ (મધુમેહ) થી બચવા અને તેને નિયંત્રણમાં રાખવા માટે રોજિંદી દિનચર્યામાં ઓછામાં ઓછા 30 મિનિટ કસરત કરવી જરૂરી છે. જેમ કે ઝડપી ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું (સ્વિમિંગ) અથવા જિમમાં વર્કઆઉટ કરવું. તમારી રુચિ મુજબની કોઈ એક કસરતને રોજિંદી આદત બનાવવી જોઈએ.

તેઓ કહે છે કે ભારતીય દર્દીઓમાં મોટો પડકાર છે દવાઓનું પાલન ન કરવું; ઘણા લોકો “થોડું સારું લાગે” એટલે દવા બંધ કરી દેતા હોય છે, જેને કારણે બ્લડ શુગરનું પ્રમાણ અચાનક બદલાય છે અને જટિલતાઓ વધી જાય છે. ડૉક્ટરો સ્પષ્ટ કરે છે કે ડાયાબિટીસનું સંચાલન સંપૂર્ણપણે વ્યક્તિગત છે ખોરાક, કસરત, દવાઓ અને મોનિટરિંગ બધું ડોક્ટરની સલાહ અનુસાર વ્યક્તિગત રીતે નક્કી થવું જોઈએ.

ત્રણે નિષ્ણાતો સંયુક્ત નિવેદનમાં જણાવે છે, “ડાયાબિટીસ હવે માત્ર એક તબીબી સ્થિતિ નથી રહી; તે ભારત માટે પેઢીદીઠ પડકાર બની રહી છે. વહેલી તપાસ, જીવનશૈલીમાં શિસ્ત, સમયસર ડૉક્ટરનું માર્ગદર્શન અને સતત મોનિટરિંગ આ બધું દર્દીઓને લાંબા ગાળાની તકલીફોથી બચાવી શકે છે. દરેક ભારતીય પરિવારને અમારી એક જ વિનંતી છે કે પ્રારંભિક લક્ષણોને અવગણશો નહીં, નિદાન ટાળો નહીં અને ડાયાબિટીસને હળવાશથી ન લો.” તેઓ ઉમેરે છે કે બાળપણ અને કિશોરાવસ્થામાં વધતા સ્થૂળતા અને બિનઅનારોગ્યપ્રદ જીવનશૈલીના કારણે, ડાયાબિટીસ થી બચવા અંગેનું શિક્ષણ ઘરમાં અને શાળામાં જ શરૂ થવું જોઈએ.

આ વર્લ્ડ ડાયાબિટીસ ડે યાદ અપાવે છે કે ભારત પાસે આ વૈશ્વિક આરોગ્ય સંકટનો સામનો કરવા પૂરતી તબીબી નિષ્ણાતી અને ટેકનોલોજીકલ સગવડ ઉપલબ્ધ છે. હવે જરૂરી છે વધેલી જાગૃતિ, પ્રોઍક્ટિવ સ્ક્રીનિંગ, યોગ્ય જીવનશૈલી અને સામૂહિક જવાબદારી જેથી ડાયાબિટીસ કરોડો પરિવારો માટે જીવનભરનો બોજ ન બને.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button