યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ સુરતના ઔદ્યોગિક એકમોની મુલાકાત લેતા કાશ્મીરી યુવાનો
સુરત:સોમવાર: કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૧૪ થી ૧૯ ડિસે. દરમિયાન પી.પી.સવાણી ઈન્ટરનેશનલ સ્કુલ, મોટા વરાછા રોડ, અબ્રામા ખાતે યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા ૧૫૦ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. નેહરુ યુવા કેન્દ્ર- સુરતના જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્માંના માર્ગદર્શન હેઠળ કાશ્મીરી યુવાનોએ અદાણી પોર્ટ-હજીરા, યુરો વેફર્સ અને હરેકૃષ્ણ ડાયમંડની મુલાકાત લીધી હતી.
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. એ ભારતીય મલ્ટિનેશનલ પોર્ટ ઓપરેટર અને લોજિસ્ટિક્સ કંપની છે, જ્યાં કશ્મીરી યુવાનોને ઓઈલ, ગેસ, કોલસા જેવા વિવિધ પ્રકારના કેમિકલના આયાત અને નિકાસ અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. યુરો વેફર્સમાં વિવિધ પ્રકારના ફૂડ પેકેટ્સની બનાવટ અને તેના પેકિંગ અને હરેકૃષ્ણ ડાયમંડ એક્ષ્પોર્ટ કંપનીમાં
યુવાનોએ હીરાની બનાવટ અને તેના વ્યાપાર, ઈમ્પોર્ટ, એક્સપોર્ટ, રફ અને પોલિશ ડાયમંડ વિષે જાણકારી મેળવી હતી. હરેકૃષ્ણ એક્ષ્પોર્ટના ચેરમેનશ્રી તેમજ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ કાશ્મીરી યુવાઓ સાથે વાર્તાલાપ કર્યો અને આરોગ્ય, કુટુંબ, રાષ્ટ્ર અને પ્રકૃતિ જેવી મુખ્ય ચાર બાબતોનું જીવનમાં રહેલું મહત્વ સમજાવી યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત સમયે સુરત, નવસારી, વલસાડ અને સિલવાસાના જિલ્લા યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.