વરસાદી માહોલ વચ્ચે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરી શહેરમાં લાખો ઉત્તર ભારતીયોએ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરી

વરસાદી માહોલ વચ્ચે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરી શહેરમાં લાખો ઉત્તર ભારતીયોએ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરી
સુરત : શ્રદ્ધા અને ભક્તિનો પર્વ એટલે છઠ પૂજા. વરસાદી માહોલ વચ્ચે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરી સુરત શહેરમાં વસતાં લાખો ઉત્તર ભારતીયોએ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દર વર્ષે સુરત મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા છઠ પૂજા માટે સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વિશેષ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આવેલા કમોસમી વરસાદને પગલે છઠ પૂજાનું આયોજન નહેર સહિત અન્ય સ્થળોએ કરાયું હતું. જ્યાં પરંપરા અનુસાર વ્રત રાખનાર મહિલાઓ છઠ પૂજાના ત્રીજા દિવસે પોતાના પરિવાર સાથે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવા મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
‘છઠ’ એ લોક આસ્થાનો મહાન તહેવાર ગણાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ તહેવારમાં સાદગી, પવિત્રતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. જેમાં સૂર્ય ભગવાન અને ષષ્ઠી દેવી(છઠ્ઠી મૈયા)ની પૂજા કરવામાં આવે છે. ચાર દિવસ સુધી છઠ પૂજાની ઉજવણી કરાય છે. અને દરેક દિવસે વિવિધ ક્રિયાઓ કરવાની પારંપરિક મહત્તા છે.



