મહુવા અને બારડોલી તાલુકામાં રોડ-રસ્તા અને પુલોની સફાઇ-જાળવણી-સુધારણા ઝુંબેશ કાર્યરત

મહુવા અને બારડોલી તાલુકામાં રોડ-રસ્તા અને પુલોની સફાઇ-જાળવણી-સુધારણા ઝુંબેશ કાર્યરત
દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ મુખ્યમંત્રીશ્રીના આદેશને અનુસંધાને નાગરિકોની સુરક્ષા અને સુગમતા માટે સમગ્ર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ તથા બ્રીજોની ચકાસણીનું કાર્ય હાથ ધરાયું છે. જે હેઠળ સુરત જિલ્લાના મહુવા અને બારડોલી તાલુકાઓમાં માર્ગોની જાળવણી અને સુધારણાનું કાર્ય સક્રિયપણે ચાલી રહ્યું છે.
મહુવા તાલુકામાં કુલ ૫ કિ.મી લંબાઈના માર્ગો પર હાલમાં પેચવર્કનું કાર્ય પ્રગતિમાં છે. અહીં ડામર પેચવર્ક અને પેવરબ્લોક દ્વારા ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. સાથે પુલોની સાફ-સફાઈની સાથે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, બારડોલી તાલુકામાં કુલ ૩ કિલોમીટર લંબાઈના માર્ગો પરનું પેચવર્કનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ભારે વાહનવ્યવહારને કારણે રસ્તાઓ પર પડતાં ખાડા અને તિરાડોને સુધારી વાહનવ્યવહારને વધુ સલામત અને સરળ બનાવવાના ઉદ્દેશથી ડામર પેચવર્ક (એસ્ફાલ્ટ પેચવર્ક)ની કામગીરી કરવામાં આવી છે. ડામર પેચવર્ક દ્વારા ખાડાઓને ભરી દેવામાં આવે છે અને રસ્તાની સપાટીને ફરીથી સમતળ બનાવવામાં આવે છે. જેથી વાહનોની અવરજવર સરળ બને, મુસાફરીના સમયમાં ધટાડો થાય છે. આ પ્રક્રિયામાં ડામર (એસ્ફાલ્ટ) અને કાંકરીના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.