એમસીએક્સની કુલ આવક 60%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ.405.82 કરોડનાં ઉચ્ચત્તમ સ્તરે

એમસીએક્સની કુલ આવક 60%ની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ.405.82 કરોડનાં ઉચ્ચત્તમ સ્તરે
એમસીએક્સ બોર્ડે 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી
મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર્સના બોર્ડે શુક્રવાર, 01 ઓગસ્ટ, 2025ના રોજ યોજાયેલી બેઠકમાં કંપનીના 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
એમસીએક્સે 30 જૂન, 2025ના પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિકગાળામાં ઓપરેશન્સમાંથી આવક રૂ.373.21 કરોડની હાંસલ કરી છે, જે ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 59%ની વૃદ્ધિ દર્શાવે છે. ઇબીઆઇટીડીએ વધીને રૂ.274.27 કરોડનો થયો હતો, જ્યારે કરવેરા બાદનો નફો રૂ.203.19 કરોડનો રહ્યો હતો. સરેરાશ દૈનિક ટર્નઓવર વધીને રૂ.3,10,775 કરોડનું થયું હતું, જે નવા સહભાગીઓની રુચિ અને ગતિશીલ બજાર પરિસ્થિતિઓ દ્વારા પ્રેરિત હતું.
નાણાકીય પરિણામો પર ટિપ્પણી કરતાં, એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “મને નાણાકીય વર્ષ 2025–26ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની માહિતી રજૂ કરતા ખૂબ આનંદ થાય છે. અમે સતત વિકસતા બજારની પરિસ્થિતિઓ વચ્ચે સ્થિતિસ્થાપકતા, અનુકૂલનક્ષમતા અને વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રીત કરીને આ નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક રીતે કરી છે. જાગૃતિ અને પ્રોડક્ટ્સમાં નવીનતાના પ્રયાસો સાથે સંસ્થાકીય ગ્રાહકો અને હેજર્સ, ખાસ કરીને એમએસએમઈ ક્ષેત્ર અને ફિઝીકલ માર્કેટના ખેલાડીઓ તરફથી વધેલી ભાગીદારીના અમે સાક્ષી છીએ.
અમે ઈલેક્ટ્રિસિટી વાયદા સહિત નવા કોન્ટ્રેક્ટ્સની શરૂઆત કરી, બુલિયન અને કૃષિ વિભાગોમાં કોન્ટ્રેક્ટ્સનો વિસ્તાર કર્યો, જેનાથી અમારા હિતધારકો માટે જોખમ સંચાલનનો વ્યાપ વધ્યો. અમે કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારનો વિકાસ કરવા, ફિઝીકલ માર્કેટના જોડાણો સુધારવા અને પારદર્શિતા વધારવા માટે અમારા નિયામકો અને સભ્યો સાથે સંકળાઈને કામ કરી રહ્યા છીએ. અમે ટેક્નોલોજી અને જોખમનાં માળખાંને સતત મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેની આવશ્યકતા છે અને આગામી સમયમાં વધુ સારી સેવા આપીશું.”
શેરની પોસાણ ક્ષમતા વધારવા અને રિટેલ રોકાણકારો માટે તેની પહોંચ વધારવા માટે, એમસીએક્સ બોર્ડે 1:5ના રેશિયોમાં શેર વિભાજનને મંજૂરી આપી છે, એટલે કે સંપૂર્ણ ભરપાઇ થયેલા શેરદીઠ રૂ.10ની ફેસ વેલ્યુ ઘટાડીને રૂ.2 પ્રતિ શેરની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરમાં વિભાજીત કરવામાં આવશે, જે કાયદાકીય અને નિયમનકારી મંજૂરીઓ તેમજ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે.
એફઆઇએ ડેટા મુજબ, 2024 દરમિયાન એમસીએક્સ વિશ્વનું સૌથી મોટું કોમોડિટી ઓપ્શન એક્સચેન્જ બન્યું છે. એમસીએક્સ એ ભારતમાં ઈલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ્સ શરૂ કરનાર પ્રથમ એક્સચેન્જ છે, જે એક ખૂબ જરૂરી જોખમ સંચાલનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ઈલેક્ટ્રિસિટીના ભાવોમાં ઊંચી વધઘટ સામે અસરકારક રક્ષણ આપે છે. એક્સચેન્જે ઈલેક્ટ્રિસિટી વાયદા (માસિક બેઝ લોડ) કોન્ટ્રેક્ટમાં કામકાજ શરૂ કર્યાં, જેની ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના હાજર ભાવોના આધારે રોકડમાં પતાવટ થાય છે.
સરેરાશ દૈનિક ટર્નઓવરમાં બુલિયન સેગમેન્ટનો હિસ્સો 23%થી વધીને 44% થયો છે, જે નવા પ્રકારો જેવા કે ગોલ્ડ મિની, ગોલ્ડ ટેન વાયદાની શરૂઆત દ્વારા સમર્થિત છે. મન્થલી ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સને મળેલા સકારાત્મક પ્રતિસાદને પગલે, એમસીએક્સે ઉદ્યોગ સાથે સંકલન સાધીને ચાંદી (30 કિગ્રા) અને ચાંદી મિની (5 કિગ્રા) મન્થલી એક્સપાયરી કોન્ટ્રેક્ટ્સ પણ શરૂ કર્યા.
વાયદા અને ઓપ્શન્સનું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.1,72,759 કરોડથી વધીને રૂ.3,10,775 કરોડનું થયું, જે વાર્ષિક ધોરણે 80%નો વધારો દર્શાવે છે. એફઆઇએ ડેટા મુજબ, 2024 દરમિયાન એમસીએક્સ વિશ્વનું 6ઠ્ઠું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું છે, જે 2023માં 7મા ક્રમાંકે હતું. એમસીએક્સે તેના કોટન વાયદા કોન્ટ્રેક્ટને (નવેમ્બર 2025ની સમાપ્તિથી અમલી) કેટલાક મુખ્ય પરિમાણોમાં ફેરફાર સાથે ફરીથી શરૂ કર્યો છે.