રાજનીતિ

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગણગણાટ

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગણગણાટ
જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ
​શિનોર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ધારિત કાર્યક્રમ મુજબ, આજ રોજ તારીખ 6 એપ્રિલ 2026 ના દિવસે શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ તાલુકાની તમામ ગ્રામ પંચાયતો અને સરકારી કચેરીઓમાં ચૂંટણીની નોટિસ લગાવી દેવામાં આવી છે.
શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 બેઠકો (શિનોર અને સાધલી) માટે આ ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારોની સગવડતા માટે તમામ વહીવટી કામગીરી શિનોર મામલતદાર કચેરી (સેવા સદન, માલસર રોડ) ખાતે કેન્દ્રિત કરવામાં આવી છે.
​જિલ્લા પંચાયત બેઠકો: શિનોર અને સાધલી જિલ્લા પંચાયતની બેઠકો માટેના ફોર્મ અને આનુષંગિક કાર્યવાહી મામલતદાર ઓફિસમાં થશે.
​તાલુકા પંચાયત બેઠકો: શિનોર બેઠક હેઠળની 8 બેઠકોની કાર્યવાહી ચૂંટણી શાખામાં અને સાધલી બેઠક હેઠળની 8 બેઠકોની કાર્યવાહી મધ્યાહન ભોજન શાખામાં કરવામાં આવશે.
જાહેરનામું પ્રસિદ્ધ થવાના પ્રથમ દિવસે જ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુથી તલાટીઓ તેમજ ઝોનલ ઓફિસરોની ખાસ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી લક્ષી માર્ગદર્શન અને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સચિવ આર.જી. ગોહિલ દ્વારા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિક પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરે. ઈચ્છુક ઉમેદવારો પોતાની ગ્રામ પંચાયત કચેરી ખાતે જાહેરનામાની નકલ જોઈ શકશે અને નિર્ધારિત સમય મર્યાદામાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button