દિવાળી અને નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફગણ, સફાઈ કર્મચારીઓની નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત

દિવાળી અને નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફગણ, સફાઈ કર્મચારીઓની નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત
નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા સાંસદ
છેલ્લા એક વર્ષમાં નવી સિવિલમાં ૪૯ અંગદાન થકી ૧૮૯ દર્દીઓને નવજીવન મળ્યુ છેઃ સાંસદ સી.આર.પાટીલ
સુરત શહેરની અનેકવિધ ઓળખમાં અંગદાન સિટી તરીકેની વધુ એક ઓળખ ઉમેરાઈ છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ૪૯ અંગદાનની ઘટનાઓ બની છે, જેમાં ડોકટરોની સાથે ખભેખભા મિલાવીને કાર્ય કરતા નર્સિંગ સ્ટાફ, સ્વચ્છતા દૂતો, ડ્રાઈવરો, સિકયુરિટી સ્ટાફે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શ્રી સી. આર. પાટીલે પોતાના નિવાસસ્થાન ખાતેની આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો સહિત સમગ્ર સ્ટાફગણને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન ૪૯ અંગદાન થકી ૧૮૯ લોકોને જીવનદાન પ્રાપ્ત થયું છે, જે નાનીસૂની ઘટના ન હોવાનું જણાવી આ દૈવી કાર્ય કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. અંગદાનની કામગીરી કરનારા સફાઈ કર્મચારીઓ, ડ્રાઇવરો, સિક્યુરિટી અને ડેટા ઓપરેટર તથા દૂર અન્ય રાજ્યોમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અંગો,બોડી મુકવા જતા ડ્રાઇવર ક્લિનરોને દિવાળીની ભેટ આપી હતી.
આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પરેશ પટેલ, RMO ડો. કેતન નાયક, ટી.બી. વિભાગના વડા અને યુનિ. સિન્ડિકેટ સભ્ય ડો.પારુલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, નિલેશ લાઠીયા, હિરેન પટેલ, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.