આરોગ્ય

એક દોરડો, અનેક ફાયદા” – મેદસ્વિતા સામેનું સરળ અને અસરકારક શસ્ત્ર એટલે દોરડા કૂદવું

એક દોરડો, અનેક ફાયદા” – મેદસ્વિતા સામેનું સરળ અને અસરકારક શસ્ત્ર એટલે દોરડા કૂદવું
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન નાગરિકોમાં મેદસ્વિતા વિશે જાગૃતિ ફેલાવવાનો અત્યંત અસરકારક ઉપક્રમ છે. આજના ઝડપી જીવનમાં વજનવૃદ્ધિ માત્ર દેખાવનો પ્રશ્ન નહીં રહી, પરંતુ ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર બિન–ચેપી રોગોનું મૂળ કારણ બની રહી છે. આવી પરિસ્થિતિમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત વધુ તાત્કાલિક બની ગઈ છે.

દોરડા કૂદવું—એવો વ્યાયામ જે સરળ છે, સૌને સાધ્ય છે અને અદ્દભુત પરિણામ આપે છે. ફિટનેસ નિષ્ણાતો મુજબ, માત્ર ૧૦-૧૫ મિનિટ દોરડા કૂદવાથી વધુ કેલરી બળી શકે છે. આ કસરતને સૌ વયના લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવી દે છે.

દોરડા કૂદવા માટે કોઈ મોંઘું સાધન નહીં જોઈએ, કોઈ વિશેષ સ્થળની જરૂર નહીં પડે ઘરમાં, છત પર કે ઓફિસના બ્રેક દરમિયાન પણ આ કસરત સહેલાઈથી કરી શકાય છે. તેથી તે સામાન્ય માણસ માટે સૌથી ઉપલબ્ધ અને પ્રસંગોચિત ફિટનેસ વિકલ્પ છે.

આ કસરતના ફાયદા માત્ર વજન ઘટાડવા પૂરતા નથી. હૃદયના સ્વાસ્થ્યમાં વધારો, ફેફસાંને મજબૂત બનાવવું, રક્તપરિભ્રમણ સુધારવું, સ્ટેમિના વધારવું, અને શરીરના તાલમેલ–સંતુલનને સુધારવું — આવા અનેક વૈજ્ઞાનિક લાભો દોરડા કૂદવા સાથે જોડાયેલા છે. બાળકો માટે તે ચપળતા અને ઝડપ વધારવાનો સારો માર્ગ છે જ્યારે યુવાનો અને વયસ્કો માટે તંદુરસ્ત, લવચીક અને ફિટ રહેવાનું શક્તિશાળી સાધન છે.
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને ગતિ આપવા રાજ્યભરમાં શાળાઓ, સમાજોમાં અને વિવિધ સંસ્થાઓમાં ફિટનેસ પ્રવૃત્તિઓ, યોગ–વેલનેસ સત્રો અને દોરડા કૂદવાની સ્પર્ધાઓ યોજાઈ રહી છે. લોકોમાં સ્વસ્થ આહાર અપનાવવા અને દૈનિક કસરતને જીવનનો અવિભાજ્ય ભાગ બનાવવા માટે પણ પ્રેરણા આપવામાં આવી રહી છે. મેદસ્વિતા સામેની લડતમાં સરકાર અને પ્રજાનું સંયુક્ત યોગદાન અત્યંત જરૂરી છે. દૈનિક માત્ર થોડા મિનિટ દોરડા કૂદવાની ટેવ અપનાવીને આપણે ફક્ત વજન જ નહીં ઘટાડીએ, પરંતુ શરીરને વધુ સક્રિય, તંદુરસ્ત અને રોગપ્રતિકારક પણ બનાવી શકીએ.
“એક દોરડો, અનેક ફાયદા… અને એ જ છે સ્વસ્થ, ફિટ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત’ તરફનું પગલું!”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button