‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની દેખરેખ હેઠળ વિવિધ ઝોનની શાકમાર્કેટમાં સ્વચ્છતા હાથ ધરાઈ
સફાઈ ઝુંબેશમાં કુલ ૩૮ કિ.ગ્રા. પ્લાસ્ટિક તથા ૨૦ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરાયો: કચરાનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરવામાં આવ્યું

સુરત:ગુરૂવાર: સુરત મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ અભિયાન અંતર્ગત મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ ઝોનના અલગ-અલગ સ્થળો પર મેગા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલે ઉધના ઝોનની વિવિધ સ્થળે રૂબરૂ મુલાકાત લઈ અહીં થઇ રહેલી સફાઈ ઝુંબેશ નિહાળી હતી અને ઝોનલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
મ્યુનિસિપલ કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ઉધના ઝોન-એ વિજ્યાનગર વેજીટેબલ માર્કેટ ખાતે શાકવિક્રેતાઓને પડતી તકલીફોની તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. સફાઈ ઝુંબેશની સ્થળ મુલાકાત દરમ્યાન ડે.કમિશનર (હેલ્થ અને હોસ્પિટલ), એડી.સીટી ઈજનેરશ્રી (ઉધનાઝોન), સંકલિત સફાઈ ઝુંબેશ દરમ્યાન ઈજનેર વિભાગ, આરોગ્ય વિભાગ, ડ્રેનેજ વિભાગ, ગાર્ડન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઝોન ખાતે ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસરો, નાયબ આરોગ્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સ્વચ્છતા ઝુંબેશમાં રોડના પેચવર્કની કામગીરી, ડ્રેનેજ-ફૂટપાથ રીપેરીંગ કામગીરી, કર્બ સ્ટોન કલર કામગીરી, બીન જરૂરી ઘાસ તથા છોડના નીકાલની કામગીરી તથા આરોગ્ય વિભાગના ૨૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા સાફ સફાઈની ઝુંબેશને તેજ કરી હતી.
મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં અલગ અલગ સ્થળે કરવામાં આવેલ સફાઈ ઝુંબેશમાં કુલ ૩૮ કિ.ગ્રા. પ્લાસ્ટિક તથા ૨૦ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરાયું હતું. આ ઉપરાંત ટેકનિકલ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ૮૦ મશીન હોલ, ૧૩૦ મીટર ફૂટપાથ રિપેરિંગ, ૫૩ સ્થળ પર પેચવર્કની કામગીરી કરવામાં આવેલ છે. તમામ ઝોન ખાતે સી એન્ડ ડી વેસ્ટ નિકાલની ડ્રાઈવ કરી કુલ ૨૫૩ મેટ્રિક ટન સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન સ્વચ્છતા ઝુંબેશમાં સેન્ટ્રલ ઝોનના સૈયેદ્પુરા વેજીટેબલ માર્કેટ અને સંલગ્ન વિસ્તારમાં કુલ ૧૩૫થી વધુ કર્મચારીઓ, વરાછા (ઝોન-એ)ના ઈશ્વરનગર, લંબેહનુમાન રોડની નજીકના વિસ્તારોમાં ૧૮૦થી વધુ કર્મચારીઓ, કતારગામ ઝોન ખાતે સિંગણપોર વેજીટેબલ માર્કેટ નજીકમાં ૧૩૨થી વધુ કર્મચારીઓ, ઉધના ઝોન-બી સચીન ફ્લાયઓવરની નીચે તેમજ નજીકના વિસ્તારોમાં ૧૫૮થી વધુ કર્મચારીઓ, લીંબાયત ઝોન ખાતે પ્રિયંકા સોસાયટીની વેજીટેબલ માર્કેટ ખાતે ૧૨૦થી વધુ કર્મચારીઓ, અઠવા ઝોનના સીટીલાઈટ ખાતે ૧૨૦થી વધુ કર્મચારીઓ, રાંદેર ઝોનના કસ્તુરબા વેજીટેબલ માર્કેટ અને નજીકના વિસ્તારમાં ૧૭૫થી વધુ કર્મચારીઓ મારફત સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વરાછા ઝોન-બી પુણા સીમાડા વેજીટેબલ માર્કેટ અને નજીકના વિસ્તારમાં ૧૪૮ થી વધુ કર્મચારીઓ દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.