ગુજરાત

શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહન રાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા

શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહન રાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનો અંતિમ દિવસ

·       વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન
·        શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહન રાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા
·         વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત
અમદાવાદ : “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે શ્રી આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી.

શ્રી આલોક કુમારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમ સરસંઘચાલક પ.પૂ. શ્રી કુપ્હલ્લી સીતારમૈયા સુદર્શનજી જે, સુદર્શનજી તરીકે જાણીતા તેમને સંઘના વૈચારિક અને સંગઠનાત્મક વિકાસમાં મૌલિક યોગદાન આપનાર વિખ્યાત મહાનુભાવ ગણાવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુદર્શનજી એ વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને, યુવાવસ્થામાં જ તેમણે સંઘના પ્રચારક જીવનને સ્વીકાર્યું અને સામાજિક તથા વૈચારિક ક્ષેત્રોમાં પોતાની વિશેષ રસ અને પ્રતિભાનો ઉપયોગ રાષ્ટ્રકાર્ય માટે કર્યો.

વર્ષ 2000માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમ સરસંઘચાલક તરીકે નિયુક્ત થયા અને, તેમના કાર્યકાળ દરમિયાન સંગઠને આર્થિક નીતિઓ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા અને આધુનિક પડકારો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના શૈક્ષણિક તથા સામાજિક સંવાદને પ્રોત્સાહન મળવાનું શરુ થયું.

સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. તેમજ રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને સ્વદેશી અભિગમ અંગે તેમના વિચારો અત્યંત માર્ગદર્શક અને પ્રેરણાદાયક રહેતા હતા. 15 સપ્ટેમ્બર 2012ના રોજ સુદર્શનજીનું અવસાન થયું હતું. છતાં પણ, તેમની વિચારધારા અને મૂલ્યો આજેય સંગઠન તથા રાષ્ટ્રીય જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રેરણાસ્રોત રૂપે જીવંત છે, એવું શ્રી આલોકજીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.

ત્યાર બાદ, શ્રી આલોક્જીએ વર્તમાન અને છઠ્ઠા સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતની કાર્યશૈલી અને કાર્યકાળ અંગે પ્રકાશ પડ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નાગપુરથી પશુચિકિત્સા વિજ્ઞાનમાં સ્નાતક અને સ્નાતકોત્તરની ઉપાધિ મેળવ્યા બાદ 1975ના આપાતકાલ દરમિયાન તેઓ સંઘના સક્રિય કાર્યકર્તા બન્યા હતા અને 1977માં પૂર્ણ કાળ પ્રચારક તરીકેનું જીવન સ્વીકાર્યું હતું. સંઘમાં વિવિધ જવાબદારીઓ નિભાવી તેમણે 2009થી સરસંઘચાલક પદની જવાબદારી સંભાળી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડૉ. ભાગવતજીના નેતૃત્વમાં સંગઠને નવી પરિસ્થિતિઓને અનુરૂપ સંવાદ, સેવા અને રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ પોતાને વધુ સશક્ત બનાવ્યો છે. અને તેમણે સામાજિક સમરસતા, ગ્રામોદય, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ચેતનાને કેન્દ્રમાં રાખીને વિવિધ ક્ષેત્રોમાં કાર્યનો વ્યાપ વધાર્યો છે.
શ્રી આલોકજીનાં મત મુજબ, શૈક્ષણિક દૃષ્ટિએ વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતનું જીવન “પરંપરા અને આધુનિકતાના સંતુલન” તેમજ “સામાજિક સમરસતા અને સંગઠનાત્મક નવીનતા” ના અભ્યાસનું અને મહત્વપૂર્ણ ચોક્કસ ગણી શકાય.

આ પ્રસંગે કાર્યક્રમને ગૌરવવંતિત કરવા માટે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, યુવરાજ સાહેબ ભાવનગર શ્રી જયવીરરાજસિંહ ગોહિલ, મોટીવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ તેમજ કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજી (સાળંગપુર ધામ) અને પૂજ્ય સંતગણ પોતાની પવિત્ર ઉપસ્થિતિ રહ્યા હતા.
આ ઉપરાંત સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વ્યાખ્યાન માળામાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના 100 વર્ષની સફર બાબતે મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, “સંઘનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો અને રાષ્ટ્રજીવનમાં યોગદાન” વિષયક પ્રેરણાસ્પદ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી માહિતી પીરસવામાં આવી હતી. આ કાર્યક્રમમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની સ્થાપનાથી આજદિન સુધીની યાત્રા, તેના વિચારોનો વિકાસ અને વૈશ્વિક સ્તરે સંઘની સકારાત્મક અસરને સુંદર રીતે રજૂ કરતી એક વિશેષ ફિલ્મ મુલાકાતીઓએ ખાસ નિહાળી હતી. આ ફિલ્મ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં સંઘના અદૃશ્ય પરંતુ અગત્યના યોગદાનનું જીવંત દર્શન દર્શાવાયું હતું.

આ ઉપરાંત, “સંઘના શતાબ્દી સફરમાં મહત્વના સ્મારકોના 3D મોડેલ” પ્રદર્શનમાં મુકાયા છે, જેમાં ડૉ. હેડગેવારનું ઘર, મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, વિવેકાનંદ શીલા સ્મારક મેમોરિયલ, રામ મંદિર અને ભારત માતાનો સમાવેશ થાય છે. તેમજ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, કનૈયાલાલ મુનશી જેવા અનેક યુગનાયકના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” સાથેના સુમેળભર્યા સંબંધો અને વાર્તાલાપના દસ્તાવેજો જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” નું સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન, સંઘની રચના અને તેના કાર્યો સાથે જોડાયેલ મહત્વપૂર્ણ દસ્તાવેજો, સંઘના સેવા કાર્યો અને રાષ્ટ્ર જીવનના વિવિધ આયામોમાં સંઘકાર્ય અંગેની વિગતો સાથેના દસ્તાવેજ પ્રદર્શનીમાં દર્શનીય છે.

“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ સમાજના પ્રબુદ્ધ વર્ગ, વિવિધ ક્ષેત્રોના ચિંતકો, વિચારકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના વાસ્તવિક સ્વરૂપ, તેની રાષ્ટ્રનિષ્ઠ વિચારોની પરંપરા, તથા સમાજ હિતમાં થયેલા સતત પ્રયત્નોથી પરિચિત કરાવવાનો છે.

“સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય સાથે આયોજિત આ વ્યાખ્યાન માળાની અન્ય વિશેષતા એ પણ છે કે, ભારત સરકારની ટંકશાળ (મિન્ટ), મુંબઈ દ્વારા “100 Years of RSS” સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે આ કાર્યક્રમ વધુ ઐતિહાસિક બની રહ્યો છે. “ભારતીય વિચાર મંચ” આ પ્રકારના સિક્કાઓને સંગ્રહિત કરવાના ઈચ્છુક મિત્રોને મુલાકાત લેવા માટે વિશેષ આમંત્રિત કરે છે.

આ પ્રસંગે “ભારતીય વિચાર મંચ” ના મહામંત્રી શ્રી ઇશાન જોશીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ એ માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્દબોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની મૂલ્ય પ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્ર જીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક શક્તિ નિર્માણ થાય એ અમારો ઉદ્દેશ છે.”
છેલ્લા 34 વર્ષથી દેશ અને સમાજને અસર કરતા કાર્યક્રમ આયોજિત કરતી સંસ્થા “ભારતીય વિચાર મંચ” દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે આશયથી વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચિંતક, વિચારક સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button